છત્તીસગઢમાં ભાજપે સીએમના ચહેરા વગર ચૂંટણી લડી છે અને હાલ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તેલંગાણા સાથે રાજ્યમાં મતગણતરી ચાલી રહી છે જેમાં ભાજપ બહુમત સાથે આગળ ચાલી રહી છે ત્યારે જો ભાજપ જીતશે તો કોને સીએમ બનાવશે તેવી ચર્ચા વધુ થઈ રહી છે. ભાજપ આ ચાર સૌથી ચર્ચીત ચહેરામાંથી કોઈ એકની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરી શકે છે, જો કે હાઈકમાન્ડ બધાને આશ્ચર્યચકિત કરી શકે તેવા ચહેરની પણ જાહેરાત કરી શકે છે.
છત્તીસગઢમાં એક તરફ કોંગ્રેસ પાસે મુખ્યમંત્રીનો સ્પષ્ટ ચહેરો હતો તો બીજી તરફ ભાજપ મોદી અને પાર્ટીના વિઝન પર આ ચૂંટણી લડી રહી છે. કેન્દ્રમાં જે રીતે ભાજપ કોંગ્રેસને પ્રધાનમંત્રી માટેના ચહેરા વિશે અનેકવાર ટોણા મારે છે ત્યારે છત્તીસગઢમાં કોંગ્રેસ પણ ભાજપને મુખ્યમંત્રી અંગે સવાલો કરી રહી છે. શરુઆતના ટ્રેન્ડ મુજબ એવુ લાગી રહ્યું છે ભાજપ બહુમત સાથે સત્તા મળી રહી છે ત્યારે આવી સ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી કોણે બનાવશે તે પ્રશ્નાર્થ છે.
ભાજપ હરિયાણા-મહારાષ્ટ્રની જેમ નવા ચહેરાની જાહેરાત કરી શકે
છત્તીસગઢમાં સતત ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચુકેલા અને સમગ્ર રાજ્યથી પરિચિત રમણ સિંહ ફરી એકવાર ભાજપ હાઈકમાન્ડની પહેલી પસંદગી બનશે કે પછી પાર્ટી કોઈ આદિવાસી પર દાવ મુકી શકે છે. આ ઉપરાંત ભાજપ એવા કોઈપણ સાંસદ અથવા સરકારી અધિકારીને પણ તક આપી શકે જેઓ નોકરી છોડીને રાજકારણમાં જોડાયા હોય. આ સિવાય રાજ્યમાં એવી પણ અટકળો ચાલી રહી છે કે ભાજપ હરિયાણા તેમજ મહારાષ્ટ્રના મોડલની જેમ એવું નામ જાહેર કરી શકે છે જેની ચર્ચા દૂર દૂર સુધી ક્યાંય ન હોય. હાલ રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પૂર્વ સીએમ રમણ સિંહ, પ્રદેશ અધ્યક્ષ અરુણ સાઓ, પૂર્વ સરકારી અધિકારી ઓપી ચૌધરી તેમજ આદિવાસી નેતા રામ વિચાર નેતામના નામની ચર્ચા થઈ રહી છે, જો કે ભાજપ જો બહુમત સાથે ચૂંટણી જીતે છે તો સીએમના ચહેરાની પસંદગીના મામલે આશ્ચર્યચક્તિ પણ કરી શકે છે.