ખેડા જિલ્લામાં અનંત ચૌદસના દિવસે ગણપતિ દાદાનું વિસર્જન કરવા ભક્તો નદી, તળાવો, કેનાલ, જળાશયો પર ઉમટ્યા હતા. ગણેશ ભક્તોએ આસ્થા અને શ્રદ્ધા સાથે બાપ્પાની વિદાય આપી હતી. વિદાય પહેલા ઢોલ, નગરા અને ડીજેના તાલે વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના ગગનભેદી નાદ સાથે વિસર્જન યાત્રા ઠેકઠેકાણે નીકળી હતી. દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ ગણેશજીએ વિદાય લેતા ભાવિકજનો ભાવવિભોર બન્યા હતા.
ગણેશ મહોત્સવના અનંત ચૌદશના દિવસે દસ દિવસથી સ્થાપિત કરાયેલ વિઘ્નહર્તા દેવની પ્રતિમાનું પૂજન-અર્ચન કરીને ભાવિકજનો દ્વારા શ્રદ્વા-ભકિતભેર વિસર્જન કરાયું હતું. સમગ્ર ખેડા જિલ્લામાં ઢોલ, નગારા, ડી.જે.ના સૂરો વચ્ચે બાપ્પાની મૂર્તીઓનું નદી, તળાવ, કેનાલમાં વિસર્જન કરાયું હતું. પોલીસ બંદોબસ્ત અને શહેરોમાં ફાયર બિગ્રેડની ટીમ સાથે તરવૈયાઓએ મોડી સાંજ સુધી પ્રતિમા વિસર્જનની કામગીરીમાં ખડે પગે સેવામાં જોતરાયેલા હતા.