ઠાકરધામ બાવળિયાળીમાં આવતાં સપ્તાહે નગાલાખા બાપા મંદિર પુનઃપ્રાણપ્રતિષ્ઠા અને શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાનગાથા યોજાશે. મહંત રામબાપુનાં નેતૃત્વ સાથે થયેલ આયોજનમાં ભાઈજી રમેશભાઈ ઓઝાનાં વ્યાસાસને કથા લાભ મળનાર છે.
સુપ્રસિદ્ધ આસ્થા સ્થાન અને ભરવાડ સમાજનાં આરાધ્ય સ્થાન ઠાકરધામ બાવળિયાળીમાં ભવ્ય અને દિવ્ય આયોજનો મુજબ નગાલાખા બાપા મંદિર પુનઃપ્રાણપ્રતિષ્ઠા અને શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાનગાથા યોજાશે, જે માટે ઉતારા મંડપ, પ્રસાદ રસોડા વગેરેની તડામાર તૈયારીઓ થઈ રહી છે.
મહામંડલેશ્વર મહંત રામબાપુ સાથે નગાલાખા બાપા પરિવાર અને સમસ્ત ભરવાડ સમાજનાં શુભભાવ સાથે આવતાં સપ્તાહે શુક્રવાર તા.૧૪થી રવિવાર તા.૧૬ દરમિયાન સંત નગાલાખા બાપા મંદિર પુનઃપ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.
સંત ઈશુબાપુનાં સ્મરણ સાથે અને મહંત રામબાપુનાં નેતૃત્વ સાથે થયેલ આયોજનમાં ભાઈજી રમેશભાઈ ઓઝાનાં વ્યાસાસને રવિવાર તા.૧૬થી શનિવાર તા.૨૨ દરમિયાન શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાનગાથા કથાનો લાભ મળનાર છે.
સોમવાર તા. ૧૭નાં દિવસે મહંત કાનજીબાપુનાં હસ્તે લઘુમહંત ગોપાલ ભગતની ગાદી તિલક વિધિ યોજાશે.
ઠાકરધામમાં આ ભવ્ય અને દિવ્ય આયોજનોમાં ભજન સંતવાણી, ગોપી હુડા રાસ તથા ગોપ ગોવાળ લાકડી રાસ માટેનાં સાંસ્કૃતિક કાર્યક્રમો ગોઠવાયાં છે.
આ પ્રસંગે સંતો, મહંતો, રાજકીય અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર છે, આ પુનઃ પ્રાણપ્રતિષ્ઠા અને ભાગવત કથા લાભ લેવાં સૌ ભાવિકોને ઠાકરધામ તરફથી મહામંડલેશ્વર મહંત રામબાપુ, ભગત વશરામબાપુ વિહાબાપુ, ભગત રૂમાલબાપુ રાઘુબાપુ, ભગત કાળુબાપુ બચુબાપુ તથા ભગત ઈશુબાપુ ગગજીબાપુ અને સમસ્ત ભરવાડ સમાજ સાથે સેવક પરિવાર દ્વારા નિમંત્રણ અપાયું છે.