ભારતની સંસદમાં સુરક્ષામાં થયેલી ગંભીર ચૂકના કારણે બે લોકો સંસદમાં ઘૂસી ગયા હતા અને કલર સ્પ્રેનો ધૂમાડો છોડીને સંસદમાં અફરા તફરી મચાવી હતી.
આ જ પ્રકારના દ્રશ્યો પોલેન્ડની સંસદમાં પણ જોવા મળ્યા હતા. યહૂદીઓના હનુક્કા નામના તહેવાર નિમિત્તે પોલેન્ડની સંસદમાં મુકવામાં આવેલી મીણબત્તીઓ જોઈને દક્ષિણ પંથી સાંસદ ગ્રેજગોરજ બ્રોન રોષે ભરાયા અને તેમણે આગ બૂઝાવવા માટેનુ ફાયર એક્સ્ટિંગ્યુશર લઈને આ મીણબત્તીઓ બૂઝાવી નાંખી હતી. જેના કારણે સંસદમાં ભારે હંગામો થયો હતો. આખરે તેમને સંસદની બહાર મોકલી દેવાયા હતા.
આ ઘટનાનો વિડિયો વાયરલ થયો છે. જેમાં સાંસદ બ્રોન ફાયર એક્સ્ટિંગ્યુશર સાથે સંસદની લોબીમાં મીણબત્તીઓને બૂઝાવતા નજરે પડે છે.જેના પગલે આખી સંસદમાં ધૂમાડો ફેલાઈ જાય છે. સંસદમાં તૈનાત સુરક્ષા કર્મીઓ તરત તેમને પકડી લે છે. જોકે ધૂમાડાના કારણે સાંસદોને શ્વાસ લેવામાં તકલીફ પડવાના કારણે તેઓ બહારની તરફ ભાગતા પણ વિડિયોમાં નજરે પડે છે.
મળતી વિગતો પ્રમાણે સંસદના સ્પીકરના આમંત્રણ પર યહૂદી સમુદાયના કેટલાક સભ્યો હનુક્કા માટે સંસદમાં ગયા હતા અને તે વખતે સાંસદ બ્રોને સ્ટેજ પર ચઢીને આ તહેવારને શેતાની તહેવાર ગણાવ્યો હતો અને હનુક્કા નિમિત્તે પ્રગટાવાયેલી મીણબત્તીઓ બૂઝાવવા માંડી હતી.
આ ઘટના બાદ પણ બ્રોને કહ્યુ હતુ કે, મને મારી હરકત પર કોઈ પસ્તાવો નથી. શરમ તો તેમને આવી જોઈએ કે જે આ પ્રકારના શેતાની તહેવારમાં ભાગ લઈ રહ્યા છે.હનુક્કા તહેવારને યહૂદીઓ ક્રિસમસની જેમ ઉજવે છે અને ડિસેમ્બર મહિનામાં સામાન્ય રીતે આઠ દિવસ તેની ઉજવણી ચાલતી હોય છે.