ભારત વિદેશી રોકાણ માટેનું વૈશ્વિક સ્તરે મોટું કેન્દ્ર બની રહ્યું છે. 2023માં ભારતમાં 71 અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું હતું. થોડા સમય પહેલાં જ જારી થયેલા આંકડા પ્રમાણે ભારતમાં ગત વર્ષે વિદેશી રોકાણ તેના પહેલાના વર્ષની સરખામણીએ ઘટયું હતું છતાં વિશ્વના અન્ય દેશોના પ્રમાણમાં તે ઘણું વધારે છે. સીધા વિદેશી રોકાણ અંગે અભ્યાસ કરતી એક આંતરરાષ્ટ્રીય એજન્સી અહેવાલ પ્રમાણે સીધા વિદેશી રોકાણ મુદ્દે ભારત વિશ્વના ટોચના 10 દેશોમાં 10મા ક્રમે આવે છે. વૈશ્વિક સ્તરે બદલાતા આર્થિક પરિબળોમાં ભારતની ગણતરી થવા લાગી છે. એસ એન્ડ પી ગ્લોબલ દ્વારા ભારતીય રિઝર્વ બેન્ક સાથે મળીને દેશના વિદેશી રોકાણના 20 વર્ષના સફર ઉપર એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે, 2000ની સાલમાં ભારતમાં માત્ર 2.2 અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું હતું તેની સરખામણીમાં અત્યારે બે દાયકા બાદ વિદેશી રોકાણનો આંકડો 71 અબજ ડોલર પહોંચી ગયો છે.
જાણકારોના મતે ભારતની બદલાયેલી આર્થિક, સામાજિક, રાજકીય પરિસ્થિતિને પગલે વિશ્વભરમાં તેની ગણના મોટા દેશોમાં થવા લાગી છે. ખાસ કરીને સાઉથ એશિયા ક્ષેત્રમાં ભારત મજબૂત રીતે વિકસી રહેલો દેશ બની ગયો છે. ભારતમાં વિદેશી રોકાણમાં સતત ચડાવ ઉતાર જોવા મળ્યા છે. ખાસ કરીને 2000ની સાલથી 2014 સુધી તેવું વધારે જોવા મળ્યું છે. ત્યારપછીના છેલ્લાં એક દાયકામાં પહેલી વખત 2023માં ડાઉનફોલ આવ્યો હતો. સૌથી વધારે એફડીઆઈ 2021 અને 2022માં જોવા મળી હતી. 2021માં 82 અબજ ડોલર જ્યારે 2022માં 84.8 અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું હતું. ગત વર્ષ કરતા આ વર્ષે 13 અબજ ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે. તેમ છતાં સરેરાશ જળવાઈ રહી છે. જાણકારોના મતે યુપીએ સરકાર કરતા ભાજપ સરકારમાં વિદેશી રોકાણ બમણું થઈ ગયું છે. હાલમાં ભારતમાં થતા વિદેશી રોકાણમાં મહારાષ્ટ્ર મોખરે છે જ્યારે કર્ણાટક બીજા અને ગુજરાત ત્રીજા ક્રમે આવે છે.
ભારત તરફ વિદેશોની આર્થિક દોટ જારી
વિશ્વની છેલ્લાં પાંચ વર્ષમાં બદલાયેલી જીયોપોલિટિકલ અને ઈકોનોમિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ઘણા ફેરફારો આવ્યા છે. તેના પગલે જ મલ્ટિનેશનલ કંપનીઓ દ્વારા સુરક્ષિત આર્થિક રોકાણ માટે ભારત તરફ દોટ મુકવામાં આવી છે. છેલ્લાં એકાદ-બે વર્ષમાં મોટાપાયે વિદેશી રોકાણમાં ચડાવ ઉતાર જોવા મળ્યા છે છતાં ભારતમાં વિદેશી રોકાણ વધ્યું છે. અહેવાલ પ્રમાણે 2014થી 2023 સુધીમાં ભારતમાં 596 અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું છે જે 2005થી 2014 સુધી દેશમાં થયેલા વિદેશી રોકાણ કરતા બમણું છે. જાણકારોના મતે ભારતની વિવિધ યોજનાઓ અને સરકાર દ્વારા એફડીઆઈ નીતિ મુદ્દે થઈ રહેલા સતત નિરિક્ષણને પગલે સુધારો જોવા મળી રહ્યો છે અને વિદેશી કંપનીઓ આકર્ષાઈ છે. ભારત સરકારની પીએલઆઈ સ્કીમ કે જે મેડિસિન, ફૂડ પ્રોસેસિંગ અને મેડિકલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં મોટાપાયે અસર કરી રહી છે તેને હકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે. જાણકારો એવું પણ માને છે કે, 2023માં ભારતમાં એફડીઆઈમાં જે ઘટાડો આવ્યો તેની પાછળ સિંગાપુર, અમેરિકા અને બ્રિટનના વાસ્તવિક જીડીપીમાં થયેલા સુધારાની પણ અસર હોઈ શકે છે.
તબક્કાવાર મોટી કંપનીઓ દ્વારા ભારતમાં રોકાણ કરવામાં આવ્યું
ભારતના વિદેશી રોકાણ ઉપર નજર કરીએ તો 1991માં જે આર્થિક સુધારા આવ્યા ત્યારથી એક દાયકા સુધી એટલે અંદાજે 2000-2001 સુધીમાં સામાન્ય વધારો જોવા મળ્યો હતો. 2000ની સાલમાં 2.2 અબજ ડોલર જ્યારે 2001માં 4 અબજ ડોલર વિદેશી રોકાણ આવ્યું હતું. ત્યારપછીના વર્ષે આંકડો 6 અબજ ડોલર પહોંચ્યો અને પછી બે વર્ષ તેમાં ઘટાડો આવી ગયો.2005માં માઈક્રોસોફ્ટ દ્વારા ભારતમાં તબક્કાવાર આગામી ચાર વર્ષ સુધીમાં 2 અબજ ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરાઈ અને તે વર્ષે ફરી વિદેશી રોકાણ વધ્યું. આ વધારો 2013માં 34.3 અબજ ડોલર સુધી પહોંચી ગયો. સરેરાશ વૈશ્વિક પરિસ્થિતિની સરખામણીએ આ વધારો કે સુધારો ખાસ મોટો નહોતો પણ ભારત માટે ખૂબ જ જરૂરી હતો. 2014માં દેશમાં રાજકીય સત્તા પલટો આવ્યા બાદ એમેઝોન દ્વારા 2 અબજનું રોકાણ કરાયું અને 2016માં બીજા ત્રણ અબજના રોકાણની જાહેરાત કરાઈ. તેના પગલે વિદેશી રોકાણ વધ્યું. 2014માં 34 અબજ ડોલર વિદેશી રોકાણ હતું જે 2022માં 84 અબજ ડોલર સુધી પહોંચી ગયું. આ દરમિયાન 2018માં વોલમાર્ટ દ્વારા ફ્લિપકાર્ટ ઈન્ડિયમાં 16 અબજ ડોલરનું રોકાણ કરાયું. તેવી જ રીતે ગુગલ અને મેટા દ્વારા જીયોના વિવિધ સાહસોમાં અનુક્રમે 4.5 અને 5.7 અબજ ડોલર ઠાલવવામાં આવ્યા. 2020થી 2022 સુધીમાં ફોક્સકોન દ્વારા ભારતમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 600 મિલિયન ડોલરનું રોકાણ કરવામાં આવ્યું હતું.
ભારતમાં મોરેશિયસ, સિંગાપુર અને અમેરિકાનું સૌથી વધારે રોકાણ
ભારતમાં 2014માં થયેલા સત્તા પલટા બાદ ભાજપ સરકારે વિદેશી રોકાણ મુદ્દે ઘણા પરિવર્તન કર્યા છે. સરકાર દ્વારા આ સેક્ટરમાં કરવામાં આવેલા લિબ્રલાઈઝેશનને પગલે વિદેશી કંપનીઓ ભારતમાં આવવા પ્રયત્નશિલ છે. બીજી તરફ કોરોનાકાળમાં ચીન સામે ઉઠેલી આંગળીઓ અને વૈશ્વિક અર્થવ્યવસ્થાને પડેલા ફટકાને કારણે પણ વિદેશી કંપનીઓ એશિયામાં ચીનના સ્થાને ભારત ઉપર પસંદગી ઉતારી રહી છે. તેમાંપણ 2021માં સરકાર દ્વારા ઘણા સેક્ટરમાં 100 ટકા સુધીનું સીધું વિદેશી રોકાણ કરવાના રસ્તાને ખુલ્લો મુકી દેવાયો હતો તેના કારણે પણ કંપનીઓ ભારત તરફ આકર્ષાઈ છે. ચીન દ્વારા પણ ભારતમાં મોટાપાયે રોકાણ કરાય છે, જોકે 2020થી તેમાં ઘણા ફેરફાર આવ્યા છે. ખાસ કરીને કોરોનાનો ફેલાવો અને સરહદ મુદ્દે ચીન સાથે ચાલી રહેલી સમસ્યાઓના કારણે ચીન પાસેથી આવતું રોકાણ ઘટયું છે. ટ્રેડિંગ પાર્ટનર તરીકે ચીન સાથેના જોડાણો હજી યથાવત્ છે. વિદેશી રોકાણના આંકડા ઉપર નજર કરીએ તો ભારતમાં જે ટોચના દેશો દ્વારા રોકાણ કરાયું છે તેમાં મોરેશિયસ મોખરે છે. તેણે ભારતના કુલ વિદેશી રોકાણનું 24 ટકા રોકાણ કર્યું છે. ત્યારબાદ સિંગાપુર દ્વારા 23 ટકા, અમેરિકા દ્વારા 9 ટકા, નેધરલેન્ડ દ્વારા 7 ટકા અને જાપાન દ્વારા 6 ટકા રોકાણ કરવામાં આવ્યું છે. આ તેમનું ઈક્વિટી રોકાણ છે. ભારતમાં રોકાણ કરવામાં આ પાંચ દેશો ટોચના સ્થાને રહ્યા છે.
સર્વિસ સેક્ટરમાં સૌથી વધારે 16 ટકા રોકાણ આવ્યું
દેશમાં આવેલા વિદેશી રોકાણના આંકડા ઉપર નજર કરીએ તો તેમાં ઘણા ફેરફારો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને 2014થી ભારત દ્વારા મેક ઈન ઈન્ડિયા કેમ્પેન લોન્ચ કરાયા બાદ ઓટોમોબાઈલ સેક્ટરને બાદ કરતા ભારતીય મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વિદેશી કંપનીઓ દ્વારા વધારે રસ દાખવવામાં આવી રહ્યો નથી. ભારતમાં સૌથી વધારે એફડીઆઈ મેળવનારા ટોચના પાંચ સેક્ટરની વાત કરીએ તો તેમાં સર્વિસ સેક્ટર, કમ્પ્યૂટર સોફ્ટવેર અને હાર્ડવેર, ટ્રેડિંગ, ટેલિકોમ્યુનિકેશન્સ તથા ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીનો સમાવેશ થાય છે. 2023ના કુલ વિદેશી રોકાણમાંથી સૌથી વધારે 16 ટકા વિદેશી રોકાણ સર્વિસ સેક્ટરમાં આવ્યું છે. આ સેક્ટરમાં ફાઈનાન્સ, બેન્કિંગ, ઈન્સ્યોરન્સ, નોન ફાઈનાન્સ, બિઝનેસ, આઉટસોર્સિંગ, આર એન્ડ ડી, કુરિયર, ટેક. ટસ્ટિંગ અને એનાલિસીસ તથા અન્ય સર્વિસ સેક્ટરનો સમાવેશ થાય છે. ત્યારબાદ કમ્પ્યૂટર સોફ્ટવેર અને હાર્ડવેરમાં 15 ટકા જેટલું રોકાણ આવ્યું છે. ટ્રેડિંગમાં 6 ટકા, ટેલિકોમ્યુનિકેશનમાં 6 ટકા જ્યારે ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં 5 ટકા રોકાણ આવ્યું છે. ભારતમાં સેમિકન્ડક્ટર સેક્ટરમાં 2023માં 26.2 અબજ ડોલરનું રોકાણ આવ્યું છે જે વૈશ્વિક સ્તરે બીજા ક્રમનું રોકાણ છે. પ્રથમ સ્થાને રહેલા અમેરિકામાં આ સેક્ટરમાં 33.8 અબજ ડોલરનું રોકાણ થયું છે.
કુલ એફડીઆઈનું 70 ટકા ત્રણ રાજ્યોમાં આવ્યું
ભારતમાં પણ વિદેશી રોકાણની જ્યારે વાત આવે ત્યારે તે બધા જ રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં યોગ્ય રીતે વહેંચાતું નથી. તેમાં મોટાપાયે અસમાનતા જોવા મળે છે. દેશમાં વિદેશી રોકાણ આકર્ષવામાં મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, દિલ્હી અને તમિલનાડુ ટોચના સ્થાને છે. તેમાં પણ મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતમાં 2023માં આવેલા 71 અબજના વિદેશી રોકાણનું 70 ટકા રોકાણ આવ્યું હતું. તેમાં દિલ્હી અને તમિલનાડુનાં આંકડા પણ જોડી દેવામાં આવે તો દેશમાં આવેલા કુલ વિદેશી રોકાણમાંથી આ પાંચ રાજ્યોમાં જ અંદાજે 90 ટકા રોકાણ આવી ગયું હતું જ્યારે બાકીનું 10 ટકા બાકીના સમગ્ર દેશમાં વહેંચાયું હતું. 2023માં આવેલા કુલ વિદેશી રોકાણમાંથી મહારાષ્ટ્રમાં 29 ટકા, કર્ણાટકમાં 24 ટકા, ગુજરાતમાં 17 ટકા, દિલ્હીમાં 13 ટકા અને તમિલનાડુમાં 5 ટકા રોકાણ આવ્યું છે.
ગુજરાતમાં 2019થી 2023 સુધીમાં 31 અબજ ડોલરનું રોકાણ
દેશમાં વિદેશી રોકાણ મુદ્દે ગુજરાત ત્રીજા ક્રમે આવ્યું છે. વર્ષ 2023માં તેમાં કુલ વિદેશી રોકાણનું 17 ટકા રોકાણ થયું છે. દેશમાં આવતા વિદેશી રોકાણમાં ગુજરાતની ભૂમિકા વિશે વિચારીએ તો તે ખૂબ જ મોટી છે. ગુજરાતમાં મોટાપાયે રોકાણ થઈ રહ્યું છે. તાજેતરમાં આવેલા આંકડા જણાવે છે કે, ઓક્ટોબર 2019થી માર્ચ 2023 સુધીમાં ગુજરાતમાં 31 અબજ ડોલર એટલે કે અંદાજે 2.23 લાખ કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ આવ્યું છે. જાણકારોના મતે 2022ની સરખામણીએ 2023માં ગુજરાતમાં વિદેશી રોકાણમાં 84 ટકાનો વધારો જોવા મળ્યો છે. જાણકારોના મતે રાજ્ય સરકાર દ્વારા ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની દિશામાં લેવાઈ રહેલા હકારાત્મક પગલાંની મોટી અસર જોવા મળી છે. ગુજરાતમાં કનેક્ટિવિટી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ અને ટ્રાન્સપોર્ટ ફેસિલિટી તથા ક્વોલિફાઈડ વર્કફોર્સ જેવા પરિબળોની પણ રાજ્યના વિદેશી રોકાણ ઉપર મોટી અસર થઈ છે.