અમેરિકામાં આતંકી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરા સાથે જોડાયેલા આરોપોની તપાસ માટે ભારતે એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી છે.
ભારતે એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી
ખાલિસ્તાની આતંકવાદની હત્યાના કેસ મુદ્દે ભારત અને કેનેડા વચ્ચેનો તણાવ હજુ સંપૂર્ણપણે સમાપ્ત થયો નથી. એવામાં ગયા અઠવાડિયે, એક બ્રિટિશ દૈનિક અખબારે પન્નુની હત્યા પાછળ ભારતનું કાવતરા હોવાનો દાવો કર્યો હતો. આ સમગ્ર મામલે ભારત પહેલાથી જ પ્રતિક્રિયા આપી ચૂક્યું છે. હવે તેમણે તપાસ માટે એક કમિટીની પણ રચના કરી દીધી છે.
આ પ્રકારના મામલા રાષ્ટ્રીય સુરક્ષા હિતોને નુકસાન કરે છે : અરિંદમ બાગચી
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે, ભારત સરકાર તપાસ સમિતિને આધારે આગળના પગલા લેશે. તેમણે એમ પણ કહ્યું કે ભારત-અમેરિકા સુરક્ષા સહયોગ પર ચર્ચા દરમિયાન, અમેરિકા દ્વારા સંગઠિત ગુનેગારો અને આતંકવાદીઓ સંબંધિત કેટલીક માહિતી પણ શેર કરાઈ છે. વધુમાં કહ્યું કે, ભારત આ પ્રકારની માહિતી અંગેની ગંભીરતા જાણે છે, આવા મામલાઓ રાષ્ટ્રીય સુરક્ષા હિતોને પણ અસર કરે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, ભારત સરકારે આ મામલાના તમામ સંબંધિત પાસાઓની તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી છે.