તાજેતરમાં જ ભારતીય રેલ્વેએ ડ્યુટી દરમિયાન બાથરૂમ માટેના અડધા કલાકની બ્રેકની લોકો પાઇલટ્સની માંગને નકારી કાઢી હતી. પરંતુ હવે રેલવે લોકો પાઇલટ્સની સુવિધા માટે ટ્રેનના એન્જિનમાં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ફેરફાર હેઠળ એન્જિનમાં લોકો પાયલોટ માટે શૌચાલયની સુવિધા કરવામાં આવશે. જેનાથી તેમને ટ્રેન સંચાલન દરમિયાન કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે. તાજેતરમાં જ લોકો પાઇલટ્સના એક ગૃપે ટ્રેનની મુસાફરી દરમિયાન અડધા કલાકનો આરામ કરવાની પરવાનગી માંગી હતી. તેમને પોતાની સ્વાભાવિક ક્રિયાઓ પૂર્ણ કરવા માટે પરવાનગી માંગી હતી.
મહિલા લોકો પાઇલટ્સને મળશે વધુ લાભ
રેલવે વિભાગ તેના પાઇલટ્સની સુવિધા માટે એન્જિનની ઇન્ટરનલ ડિઝાઇનમાં આ ફેરફાર કરી રહ્યું છે. હવે લોકો પાઇલટ્સની સુવિધા માટે એન્જિનમાં શૌચાલયની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, એન્જિનમાં શૌચાલય બનાવવાના આદેશો જારી કરવામાં આવ્યા છે. મહિલા લોકો પાઇલટ્સને તેનો મહત્તમ લાભ મળશે. બધા નવા એન્જિનમાં શૌચાલય આપવામાં આવશે. એના માટે ભારતીય રેલ્વે દ્વારા આંતરિક સ્તરે માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે. રેલવેના આ પગલાને કર્મચારીઓના હિતમાં એક મોટો નિર્ણય ગણાવવામાં આવી રહ્યો છે.
રનિંગ રૂમમાં લગાવાઈ રહ્યા છે એર કંડિશનર
રેલ્વે અધિકારીઓનું કહેવું છે કે લોકો પાઇલટ્સ ભારતીય રેલ્વેનો ખૂબ જ મહત્વનો ભાગ છે. મુસાફરોને પૂરી પાડવામાં આવતી સુવિધાઓમાં તેઓ મોટી ભૂમિકા ભજવે છે. આથી તેમની કામ કરવાની સ્થિતિને સુધારવા માટે રેલવે વિભાગ અનેક પગલાં ભરી રહ્યું છે. દરેક લોકો પાઇલટ્સના રનિંગ રૂમમાં એર કન્ડીશનર (એસી) લગાવવામાં આવી રહ્યા છે. જ્યાં ટ્રેનનો ટ્રાફિક વધુ હોય છે ત્યાં નવા રનિંગ રૂમ બનાવવામાં આવી રહ્યા છે. આ સિવાય લોકો કેબિનમાં પાઇલટ્સને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
લોકો પાયલોટ માટે એન્જિન ન છોડવાનો નિયમ
ઉલ્લેખનીય છે કે, લોકો પાયલટના પદ પર મહિલાઓ પણ તૈનાત છે. અત્યારની સ્થિતિ પર જો જરૂર પડે તો લોકો પાઇલટ્સ કોઈ સ્ટેશન પર પહોંચ્યા બાદ જ ટ્રેનના શૌચાલયનો ઉપયોગ કરી શકે છે. પરંતુ નિયમ એ છે કે પાઇલટ ફરજ પૂર્ણ થયા બાદ જ એન્જિન છોડી શકે છે. આથી તેમને ઘણીવાર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. રેલવે દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય પર લોકો પાઇલટ્સે ખુશી વ્યક્ત કરી છે. પહેલા સૌથી મોટી સમસ્યા માલગાડીના પાઇલટ્સને પડતી હતી.