રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રીમ કોર્ટ, નવી દિલ્હી દ્વારા નિર્ધારિત કાનૂની શિક્ષણ કાર્યક્રમો અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદની સુચના મુજબ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડિયાદ ના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એન. એ. અંજારીઆનાં નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ નડિયાદના ચેરમેન અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ જી.ડી. પડીયા દ્વારા નિયમિત રૂપે કાનૂની જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેનાં ભાગરૂપે આજ રોજ ૦૧ મે “આંતરરાષ્ટ્રીય મજૂર દિન” અન્વયે આસીસ્ટન્ટ લેબર કમિશનરની કચેરી ખેડા-નડિયાદના સંકલનમા નડિયાદ સ્થિત મફતલાલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે કામ કરતાં કામગારો તથા કર્મચારી/અધિકારીઓને કાયદાકીય જાગૃત અને માહીતગાર કરવાના હેતુસર એક વિશેષ કાનૂની જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાનૂની જનજાગૃતિ કાર્યક્રમમાં સૌ પ્રથમ મફતલાલ ઇન્ડસ્ટ્રીઝના નડીઆદ યુનિટ હેડ આર.એ. પટેલ દ્વારા સૌ મહાનુભાવો સહીત કામગારો, કર્મચારીઓ અને અધિકારીઓનું સંસ્થા વતી પુષ્પગુચ્છથી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સૌ પ્રથમ તાલુકા કાનૂની સેવા સમિતિ નડીઆદનાં સુપ્રિન્ટેન્ડેન્ટ નિલેશ ચૌધરી દ્વારા મફત અને સક્ષમ કાનૂની સેવાઓ વિશે અને સરકારી શ્રમ અધિકારી પ્રકાશ નીનામા દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારની શ્રમિકોને લગતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને મજુરોને મળતું કાયદાકીય સંરક્ષણ વિષે વિસ્તૃત માહિતી અને જાણકારી આપી હતી.
કાર્યક્રમનાં અંતમાં કાર્યક્રમનાં અધ્યક્ષ તરીકે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડિયાદનાં ફુલ ટાઈમ સેક્રેટરી(સિનિયર સિવિલ જજ કેડર) ડી.બી. જોષી દ્વારા પ્રાસંગિક સંબોધન કરતાં મહિલાઓને કામકાજનાં સ્થળે થતી જાતીય સતામણી (અટકાયત, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) કાયદો-૨૦૧૩, સ્ત્રીઓને લગતા કાયદાઓ, મજૂર કાયદાઓ, મધ્યસ્થીકરણ તથા લોક અદાલત વિગેરે વિષય પર વિસ્તૃત માહિતી અને સમાજ આપી હતી. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન અને વ્યવસ્થા મફતલાલ ઇન્ડસ્ટ્રીઝનાં નડીઆદનાં એચ. આર.મેનેજર અંકીત પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મફતલાલ ઇન્ડસ્ટ્રીઝના કામગારો, કર્મચારીઓ અને અધિકારીઓએ મોટી સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.