આધુનિક ગોકુળિયા ગામનો પર્યાય બનેલાં પર્વ ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ’ રાષ્ટ્ર માટે નમૂનો બની ગયો. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં યોજાયેલ ઉત્સવના સમાપનમાં રંગદર્શી સામૈયા સાથે ‘જોહો’ વડા શ્રીધર વેમ્બુ જોડાયાં હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશી અને આત્મનિર્ભર અભિગમ મુજબ ગુજરાતનું ગામ હણોલ એ સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથેના સમન્વય વડે પ્રગતિ કરી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના નેતૃત્વ સાથે આધુનિક ગોકુળિયા ગામનો પર્યાય બનેલાં પર્વ ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ’ રાષ્ટ્ર માટે નમૂનો બની ગયો. સમાપન પ્રસંગે મહેમાનો શણગારેલા બળદ ગાડામાં રંગદર્શી સામૈયા સાથે જોડાયાં હતા.
ગોહિલવાડનાં આ હણોલમાં
મંગળવાર તા.૧૩થી ગુરુવાર તા.૧૫ દરમિયાન આત્મનિર્ભર મહોત્સવમાં દેશ અને દુનિયાના મહાનુભાવો જોડાયાં અને અહીંથી કશુંક મેળવ્યાનો અહેસાસ વ્યક્ત કરતાં ગયા. ‘જોહો’ વડા શ્રીધર વેમ્બુ સમાપન પ્રસંગે તેમના પોંગલ ઉત્સવ છોડીને જોડાયા અને અહીંયા મારે કશું કહેવું પડે તેમ નથી પણ મને શીખવા મળ્યું છે, તેમ ભાવ જણાવ્યો. તેઓએ ‘જોહો’ સાથે પોતાના કારકિર્દી તથા સંશોધનોના ઉલ્લેખ સાથે તેમના વતનમાં કૃષિ સંબંધી આત્મનિર્ભર સાફલ્ય ગાથા જણાવી. તેમણે મહત્વની વાત કરી કે આપણા યુવાનોમાં ભરપૂર કૌશલ્ય રહેલું છે, જેનો ઉપયોગ આપણે દેશમાં નથી કરી રહ્યા, જે દેશમાં અન્ય રોજગારી ઊભી કરવાં કરવો જોઈએ, સુરતના આપણાં હીરા ઉદ્યોગમાં વપરાતા યંત્રોનું નિર્માણ પણ સ્થાનિક કક્ષાએ યુવાનો દ્વારા થવું જોઈએ તેમ ટકોર કરી. વેમ્બુએ વારસાના જતન સાથે વિકાસ માટે આગ્રહ વ્યક્ત કરાવ્યો. નરેન્દ્ર મોદીના વિકસિત ભારત માટે ગામડાને વિકસિત કરવાની અનિવાર્યતા જણાવી દેશમાં વધુ આવા હણોલ ગામ નિર્માણ કરવા હાકલ કરી.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ હણોલમાં સાકાર થયેલાં વિકાસ અભિયાન માટે હરખ વ્યક્ત કરી શ્રીધર વેમ્બુના વતન પ્રેમ અને રાષ્ટ્ર માટેના ‘જોહો’ સંશોધન માટે રાજીપો વ્યક્ત કરી સૌને પ્રેરણા લેવા અનુરોધ કર્યો. મહાત્મા ગાંધીના ‘મારું જીવન મારો સંદેશ’ મૂલ્ય સાથે ગામમાં તેમના અભિગમનો ઉલ્લેખ કર્યો અને હજુ અડધું જ થયું તથા અડધું બાકી છે, જે હવે આગળ વધારવાનું હોવાનું ઉમેર્યું. તેઓએ આ વિસ્તારના અન્ય ગામોમાં પણ આ પ્રકારના અભિયાન શરૂ થયાનો સાનંદ ઉલ્લેખ કર્યો.
મનસુખ માંડવિયાએ અહીંયા ૭ વર્ષથી ૭૦ વર્ષની એટલે કે કુમારિકાઓથી વૃદ્ધા માતા સૌ આ મહોત્સવમાં જોડાયાનો હરખ જણાવી ગામની સંસ્કૃતિ ઉજાગર કરવા સાથેના આ આત્મનિર્ભર મહોત્સવમાં જોડાયેલાં સહયોગી તેમજ સહભાગી સૌ પ્રત્યે અભિનંદન સાથે આભારની લાગણી વ્યક્ત કરી.
‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ’ સમાપન પ્રસંગે મણી વેમ્બુની ઉપસ્થિતિ રહી.
આ સમારોહમાં પ્રવીણભાઈ ઘોઘારી, શંભુનાથજી ટુંડિયા, દક્ષેશ માવાણી, દિનેશભાઈ નાવડિયા, અરુણભાઈ દવે, અમોહભાઈ શાહ, વિભાવરીબેન દવે, રાજીવભાઈ પંડ્યા, ચિરાગભાઈ પારેખ સહિત અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ અને મહાનુભાવો જોડાયાં હતાં. અહીંયા વિવિધ રમતોત્સવ ખેલાડીઓ અને વિવિધ સમિતિઓનું સન્માન અભિવાદન કરવામાં આવેલ.
મંગળવાર તા.૧૩થી ગુરુવાર તા.૧૫ દરમિયાન મહોત્સવ અને અગાઉથી જ રહેલા આ સમગ્ર આયોજનમાં વિવિધ સંસ્થાઓ, વહીવટી તંત્ર સાથે ‘મારું ગામ, મારું અભિમાન’ સૂત્ર મુખ્ય સાથે વતનપ્રેમીઓ, ગ્રામજનો વગેરેનું સુંદર સંકલન રહ્યું અને ગામડાની એકતા સાથેના અભિગમ દ્વારા એકતા અને વિકાસ માટે પ્રેરણારૂપ સંદેશો આપ્યો છે.
મૂકેશ પંડિત
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો
Like, Share and Subscribe our YouTube channel