લોકસભાની ૨૦૨૪ની ચૂંટણી પહેલાં પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ તે ચૂંટણીની સેમી ફાયનલ સમાન બની છે. તેમ કહેવું કોઈને અતિશયોકિત લાગશે પરંતુ તેમાં કોઈ અતિશયોક્તિ નથી. સાથે તેમ પણ કહેવું કે વડાપ્રધાન મોદીએ ભાજપના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી છે તેમ કહેવામાં પણ અતિશયોકિત નથી. યાને નિરીક્ષકો મોદી મેજિક કહે છે. તે દ્વારા ભાજપે કોંગ્રેસના હાથમાંથી બે રાજ્યો આંચકી લીધા છે. તેટલું જ નહીં પરંતુ સત્તા વિરોધી મોજા ને પણ પરાસ્ત કરી એક સ્ટંટ કર્યો છે.
તે સર્વવિદિત છે કે વિધાનસભાઓની ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણીમાં જુદા જુદા અભિગમો હોય છે. પહેલામાં પ્રાદેશિક મુદ્દાઓ મહત્વના છે. બીજામાં રાષ્ટ્રીય અને અંશત: આંતર રાષ્ટ્રીય મુદ્દાઓ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. બંનેનાં પરિણામો પણ ઘણીવાર તો આઘાતજનક રીતે જુદા પડે છે. ૨૦૧૫ની વિધાનસભા ચૂંટણીમાં બિહારમાં રાજદ સૌથી મોટા પક્ષ તરીકે આગળ આવ્યો. તેને ૮૧ સીટો પર કબજો જમાવ્યો, પરંતુ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી વખતે રાજદને ૪૦માંથી માત્ર એક જ બેઠક બચાવી શકી.
ભાજપ આ વખતે ૩ રાજ્યોમાં વિજય મેળવ્યો છે. જો કે, તે ત્રણમાંથી એક પણ માટે તેણે મુ.મં. માટે કોઈ ચહેરો રજૂ કર્યો નથી. પરંતુ તે બધાં જ રાજ્યોમાં નરેન્દ્ર મોદી સહિત ભાજપના વરિષ્ટ નેતાઓએ વીજળી વેગે પ્રચંડ પ્રચાર કર્યો. મ.પ્ર. અને રાજસ્થાનમાં તેમની પાસે શિવરાજ સિંહ ચૌહાણ અને વસુંદરા રાજે જેવા ચહેરાઓ હોવા છતાં ભાજપે તેમના નામ જાહેર કર્યાં ન હતાં. ભાજપે મોદી ગેરેન્ટી ઉપર જ ધ્યાન કેન્દ્રિત રાખ્યું, અને પ્રચાર યુદ્ધ ચાલુ રાખ્યું તેમાં મોદી ગેરન્ટી ઉપર જ ભાર મુકયા કર્યો આથી તે ત્રણે રાજ્યોના વિજયનું શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ અપાઈ રહ્યું છે. સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ઉપર પણ ભાજપના નેતાઓએ આ પ્રમાણે ટિવટ કરતા હતા. તે પૈકી દેશના મેધાવી વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમના X પર લખ્યું રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપને મળેલો વિજય મોદીજીની ગેરેન્ટીમાં લોકોનો વિશ્વાસ દર્શાવે છે. જયારે રાજસ્થાનનાં પૂર્વ મુખ્ય મંત્રી વસુંધરા રાજેએ (સોશ્યલ મીડીયા પર) કહ્યું, રાજસ્થાનનો આ ભવ્ય વિજય નરેન્દ્ર મોદીના મંત્ર સબકા સાથ સબકા વિશ્વાસ સબકા પ્રયાસનો વિજય છે. તેઓએ આપેલી ગેરેન્ટીનો વિજય છે.
ભારતનાં ત્રણ મહત્વનાં રાજ્યોનાં પરિણામો પછી વડાપ્રધાને અહીં આવેલા ભાજપના મુખ્ય મથકે પક્ષના અગ્રીમ કાર્યકરોને સંબોધતાં કહ્યું હતું કે, ઘણા લોકો તો તેમ કહે છે કે આ ચૂંટણીઓમાં ભાજપને ત્રણ રાજ્યોમાં મળેલી ત્રેવડી સફળતા લોકસભાની આગામી ૨૦૨૪ની ચૂંટણીમાં પણ પક્ષ હેટ્રિક સાધશે તેવી ગેરેન્ટી આપે છે.