જાપાન આજે ગંભીર વસ્તી સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, જે છેલ્લા 16 વર્ષથી સતત વધી રહ્યું છે. 2024માં જ દેશમાં વસ્તી 9,08,000થી વધુ ઘટી ગઈ છે. આ ઘટાડાનો મુખ્ય કારણ એ છે કે દેશમાં જન્મ લેનારા બાળકોની સંખ્યા સતત ઘટી રહી છે અને મૃત્યુ પામનારા લોકોની સંખ્યા તેના કરતા ઘણી વધારે છે. ઉદાહરણ તરીકે, 2024માં માત્ર 6,86,061 બાળકોનો જ જન્મ થયો હતો, જ્યારે આશરે 16 લાખ લોકોનું અવસાન થયું હતું. આનો સીધો અર્થ એ છે કે દરેક બાળકના જન્મ સામે લગભગ બે લોકોનું મૃત્યુ થઈ રહ્યું છે. જન્મદર હાલમાં 1.2 છે, જે વસ્તીને સ્થિર રાખવા માટે જરૂરી 2.1થી ઘણો ઓછો છે.
જાપાનમાં આ વસ્તી સંકટને વડાપ્રધાન શિગેરૂ ઇશિબાએ “સાયલન્ટ ઇમરજન્સી” કહીને વર્ણવ્યું છે. સરકાર ઘણા વર્ષોથી ફેમિલી-ફ્રેન્ડલી નીતિઓ અમલમાં મૂકી રહી છે, જેમ કે મફત બાળ સંભાળ, કામના કલાકોમાં લવચીકતા, માતૃત્વ અને પિતૃત્વ રજા, તેમજ આર્થિક પ્રોત્સાહન. છતાંય, મહિલાઓ વધુ બાળકો પેદા કરવા માટે ખાસ આગળ આવતી નથી. ઘણા યુગલો લગ્ન વિલંબિત કરે છે અથવા લગ્ન કરવાનું પસંદ જ નથી કરતા, અને મોટી સંખ્યામાં મહિલાઓ જીવનભર સંતાન વિના રહેવાનું પસંદ કરે છે. આ પાછળના કારણોમાં કારકિર્દી પર વધુ ધ્યાન, આર્થિક અનિશ્ચિતતા, મોંઘવારી, નાના ઘરોમાં રહેવાની પરિસ્થિતિ, તેમજ બાળકો ઉછેરવા માટે જરૂરી સામાજિક સપોર્ટનો અભાવ સામેલ છે.
સામાજિક માળખામાં આ બદલાવનો અસર જાપાનના શ્રમબજાર પર પણ દેખાઈ રહ્યો છે. હાલમાં 65 વર્ષથી વધુ ઉંમરના લોકોની સંખ્યા કુલ વસ્તીનું લગભગ 30 ટકા છે, જે મોનાકો પછી વિશ્વમાં બીજો સૌથી મોટો આંકડો છે. 15 થી 64 વર્ષની શ્રમયોગ્ય વયના લોકોનો હિસ્સો માત્ર 60 ટકા જ રહ્યો છે. આનો અર્થ એ છે કે આગામી દાયકામાં કાર્યક્ષમ યુવાનોની સંખ્યા સતત ઘટશે અને વૃદ્ધોની સંભાળ લેતા લોકો પર ભાર વધી જશે. આ પરિસ્થિતિથી પેન્શન સિસ્ટમ, આરોગ્ય સેવાઓ અને સામાજિક સુરક્ષા માળખા પર અતિશય દબાણ પડશે.
વસ્તી ઘટતી રોકવા માટે જાપાન વિદેશી શ્રમિકોને આમંત્રિત કરવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ સાંસ્કૃતિક અવરોધો અને કડક ઇમિગ્રેશન નીતિઓને કારણે આ પ્રયત્નો મર્યાદિત સફળ રહ્યા છે. હાલમાં જાપાનની કુલ વસ્તીમાં વિદેશીઓનો હિસ્સો માત્ર 3 ટકા છે, જે વિકસિત અર્થવ્યવસ્થાઓની સરખામણીએ બહુ ઓછો છે. 1 જાન્યુઆરી 2025ના આંકડા મુજબ, છેલ્લા એક વર્ષમાં જાપાનની કુલ વસ્તીમાં 0.44 ટકાનો ઘટાડો નોંધાયો છે.
જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે, તો જાપાનના માનવ સંસાધનોમાં ગંભીર કટોકટી ઊભી થશે, જે ઉત્પાદન ક્ષમતા, નવીનતા, અને આર્થિક વૃદ્ધિ પર નકારાત્મક અસર કરશે. આ સાથે ગ્રામિણ વિસ્તારોમાં વસતી ઝડપથી ઘટી રહી છે, જેના કારણે ત્યાંના સ્કૂલ, હોસ્પિટલો અને સ્થાનિક ઉદ્યોગો બંધ થવાના ખતરામાં છે. વસ્તી સંકટ માત્ર આર્થિક નહીં, પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાઓ માટે પણ પડકારરૂપ બની રહ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel