ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ૭મી ઓક્ટોબરથી શરૂ થયેલું યુદ્ધ બંધ થવાનું નામ નથી લેતું. ગાઝાપટ્ટીમાં રહેનારા હજ્જારો લોકોના જાન ગયા છે. તેવામાં હમાસના સર્વોચ્ચ નેતા ઇસ્માઈલ હાનીયેહે, પાકિસ્તાન પાસે મદદ માગી છે. આ ઉપરાંત ઝેર ઓકતાં તેમણે કહ્યું હતું કે યહૂદીઓ દુનિયાભરમાં વસેલા મુસલમાનોના સૌથી મોટા દુશ્મન છે.
પાકિસ્તાનને બહાદૂર કહેતાં જણાવ્યું હતું કે, જો ઈઝરાયેલને પાકિસ્તાનનો સામનો કરવો પડે તો ક્રૂરતાનો અપરાધ જ બંધ થઈ જાય.
ઇસ્લામાબાદમાં આયોજિત રાષ્ટ્રીય સંવાદ ”અલ્-અક્સા મસ્જિદની પવિત્રતા, અને મુસ્લિમ ઉમ્મારહની જવાબદારીમાં બોલતાં, હાનિયેહે આ પ્રમાણે જણાવ્યું હતું. સાથે હમાસ માટે પાકિસ્તાનની સહાયની પણ આશા વ્યક્ત કરી હતી. તેઓએ પોતાના દેશ (ગાઝાપટ્ટી)ને મુજાહીદ્દીન (ઇસ્લામ માટે લડનારા)ની ભૂમિ તરીકે દર્શાવ્યો હતો. આ સાથે ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં પેલેસ્ટાઇનીઓ દ્વારા અપાયેલી કુરબાનીનો ઉલ્લેખ કરતાં તેઓએ કહ્યું હતું કે, પાકિસ્તાનની તાકાત જ સંભવત: આ યુદ્ધ રોકી શકે તેમ છે. આ ઉપરાંત આ સંબોધનમાં પવિત્ર કુરાનનું બરોબર અનુસરણ કરનારા તમામ દેશોને ઇઝરાયલનો વિરોધ કરવા અનુરોધ કર્યો હતો અને કહ્યું હતું કે ૧૬૦૦૦ પેલેસ્ટાઇનનીઓને બંધક રાખવાનો તથા પવિત્ર સ્થળોને અપવિત્ર કરવાનો તેમજ આંતરરાષ્ટ્રીય શરતોનું ઉલ્લંઘન કરવાનો હાનીયેહે આક્ષેપ મુક્યો હતો.