ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના સેવાલિયા શાખાના બ્રાન્ચ મેનેજરના અકસ્માતમાં મૃત્યુ બાદ કપડવંજ ખાતે એકત્ર થયેલા કર્મચારીઓએ રોસ વ્યક્ત કર્યો હતો. કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો કે રજાના દિવસે કર્મચારીઓને બેંકના કામે બોલાવવામાં આવે છે જેના કારણે બ્રાન્ચ મેનેજરનો અકસ્માત થયો અને તેનું મૃત્યુ થયું. કપડવંજ ખાતે એકત્ર થયેલા કર્મચારીઓએ બેંકના ચેરમેન ને હટાવવાની પણ માંગ કરી હતી, તેમજ અન્ય આક્ષેપો પણ કર્યા હતા. જેની સામે આજે બેંક દ્વારા એક પ્રેસ મિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બેંકના ચેરમેને વિરોધ કરતા કર્મચારીઓ ને સણસણતો જવાબ આપ્યો હતો.
ચેરમેન તેજસ પટેલે જણાવ્યું હતું કે જે કર્મચારીઓને કામ નથી કરવું અને જે કર્મચારીઓ પાસે કામ કરવાની આવડત નથી તે લોકો હરિશ્ચંદ્રના મૃત્યુ પર રાજકારણ રમી રહ્યા છે. આગામી 17 તારીખના રોજ નાબાર્ડ દ્વારા બેંકનું ઇન્સ્પેક્શન હોય બાકી રહેતી કામગીરી પૂર્ણ કરવા માટે જે તે બ્રાન્ચ મેનેજરોને સૂચના આપવામાં આવી હતી. પરંતુ કેટલાક કર્મચારીઓ દ્વારા મૃત્યુ ઉપર રાજકારણ રમવામાં આવી રહ્યું છે. જે લોકોને બેંકનો પગાર લેવો છે પણ કામગીરી નથી કરવી તે લોકોને લઈ આગામી બોર્ડ બેઠકમાં ડિરેક્ટરો સાથે ચર્ચા કરવામાં આવશે અને યોગ્ય નિર્ણય કરશે તેમ તેઓએ જણાવ્યું હતું.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)