રાજધાની નવી દિલ્હીમાં 22 વર્ષ પહેલાં 13 ડિસેમ્બરના રોજ પાંચ આતંકવાદીઓએ સંસદ પર હુમલો કર્યો હતો જેમાં દિલ્હી પોલીસના પાંચ જવાન સહિત 9 લોકોનાં મોત થઈ ગયા હતા. આ ઘટનાને બે દાયકા વીતી ગયા છે ત્યારે હવે આ આતંકવાદી હુમલાની 22મી વરસી પર જ બુધવારે સંસદની સુરક્ષામાં મોટી ચૂક થઈ હતી. લોકસભામાં બે યુવાનોએ ઘૂસીને ‘સ્મોક એટેક’ કર્યો હતો જ્યારે બે લોકોએ સંસદની બહાર ગેસના ધુમાડા કર્યા હતા અને તેમણે ‘તાનાશાહી નહીં ચલેગી’, ‘ભારત માતા કી જય’, ‘જય ભીમ’, ‘જય ભારત’નો સૂત્રોચ્ચાર કર્યો હતો. ત્યારે હવે શીખ ફોર જસ્ટિસના જનરલ કાઉન્સિલ અને આતંકવાદી ગુરપતવંત પન્નૂએ આ ઘટનામાં સામેલ ‘વિદ્રોહીઓ’ માટે 10 લાખ રૂપિયાની કાનૂની સહાયની જાહેરાત કરી છે. પન્નૂએ કહ્યું કે, 13 ડિસેમ્બરે સંસદનો પાયો હચમચી ગયો અને ખાલિસ્તાન લોકમત સંગ્રહ માટે મતદાર રજિસ્ટ્રેશનની શરૂઆત સાથે તે હચમચતો રહેશે.
ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ તાજેતરમાં જ એક વીડિયો મેસેજ જારી કરીને સંસદ પર હુમલાની ધમકી આપી હતી. જોકે હજુ સુધી તમામ છ આરોપીઓ અને ખાલિસ્તાન મુવમેન્ટ વચ્ચે કોઈ કનેક્શન સામે નથી આવ્યું. ધમકીભર્યા વિડિયોમાં પન્નૂએ 2001ના સંસદ હુમલાના દોષી અફઝલ ગુરુનું પોસ્ટર અને ‘દિલ્હી બનેગા ખાલિસ્તાન’ શીર્ષક આપતા કહ્યું હતું કે ભારતીય એજન્સીઓ દ્વારા તેમની હત્યાનું કાવતરું નિષ્ફળ ગયું છે. તે 13 ડિસેમ્બરે અથવા તે પહેલાં સંસદ પર હુમલો કરીને તેનો જવાબ આપશે.
લોકસભામાં ગઈ કાલે કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે નવું સંસદભવન જોવાના બહાને મૈસૂરથી ભાજપના સાંસદ પ્રતાપ સિંહાની ઓફિસમાંથી પાસ લઈને બે યુવાનો સાગર શર્મા અને મૈસુરના મનોરંજન ડી બપોરે 1.00 વાગ્યે દર્શક ગેલેરીમાંથી સાંસદોની બેન્ચ પર કૂદ્યા હતા અને આમ-તેમ દોડાદોડી કરી હતી અને ત્યાર બાદ બૂટમાંથી પીળા રંગનો ગેસ સ્પ્રે કર્યો હતો. આ સાથે જ તેમણે સૂત્રોચ્ચાર કર્યો હતો. જોકે, સાંસદોએ બંને યુવકોને પકડી લીધા હતા અને તેમની જોરદાર મારપીટ કરી હતી ત્યાર બાદ તેમને સુરક્ષા કર્મચારીઓને હવાલે કરી દીધા હતા. આ સમયે લોકસભા ગૃહ પીળા ધુમાડાથી ભરાઈ જતાં કાર્યવાહી બપોરે 2.00 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ હતી.