કાકીડીમાં મોરારિબાપુનાં વ્યાસાસને ચાલતી રામકથામાં જયદેવ માંકડ સંપાદિત ‘બાવો બોર બાંટતા’ અને રામકથા આધારિત નીતિન વડગામા સંપાદિત પ્રકાશનોનું લોકાર્પણ થયું.
મોરારિબાપુ દ્વારા રામકથા ગાન આધારિત વિવિધ પ્રકાશનો ચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા પ્રસિદ્ધ થતાં રહ્યાં છે. કાકીડીમાં ચાલતી રામકથામાં પણ પ્રકાશનોનું લોકાર્પણ થયું, જે વિનામૂલ્યે વિતરણ થશે.
કૈલાસ ગુરૂકુળ સાથે સંકળાયેલાં અને કટાર લેખક જયદેવ માંકડ સંપાદિત ‘બાવો બોર બાંટતા’ ભાગ ૪ લોકાર્પણ આજે કાકીડી ગામની દીકરીઓ કંગનાબેન બ્રહ્મભટ્ટ તથા રાજવીબેન બ્રહ્મભટ્ટનાં હસ્તે કરવામાં આવ્યું. આ પ્રકાશનમાં મોરારિબાપુ દ્વારા કથાઓમાં અપાતાં દૃષ્ટાંતોનું સંકલન થયેલું છે. ઉલ્લેખનીય છે કે, ત્રિભુવનદાદાની સેવા કરનાર મોહન ભગત પરિવારની દીકરીઓનાં હસ્તે વ્યાસપીઠ મંચ પરથી આ લોકાર્પણ ઉપક્રમ યોજાયો.
જાણીતાં સાહિત્યકાર નીતિન વડગામા દ્વારા મોરારિબાપુ દ્વારા યોજાયેલ વિવિધ રામકથાઓનાં સંકલનો સંપાદિત થયાં છે. મોરારિબાપુનાં હસ્તે આ કથા પ્રકાશનો ‘માનસ મૌન’ (જોર્ડન રામકથા), ‘માનસ જવલાદેવી’ (જ્વાલાદેવી રામકથા) તથા ‘માનસ ત્રિભુવન’ (તલગાજરડા રામકથા) લોકાર્પણ કરવામાં આવ્યાં.
આ પ્રસંગે નીતિન વડગામાએ પ્રાસંગિક જણાવ્યાં મુજબ ચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા પ્રકાશિત આ પ્રકાશનો મોરારિબાપુનાં આગ્રહ મુજબ વેચવા માટે નહિ પણ વહેંચવા માટે પ્રસાદીરૂપ છે, વેચાય તે પ્રસાદ ન હોય વહેચાય તે પ્રસાદ કહેવાય.