કચ્છના માંડવી તાલુકાના કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ વજુભા જાડેજા અને તેના સાથીદારોના ગેરકાયદે શરાબના ધંધાનો ખુલાસો વારંવાર થતાં છતાં આરોપી હજી સુધી પોલીસની પકડથી દૂર છે. તાજેતરમાં જ કોડાય પોલીસે 40.78 લાખનો દારૂ ઝડપી પાડ્યા બાદ એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ)ને વધુ એક મોટી ખેપ હાથ લાગી છે. આ વખતે પંજાબથી મંગાવવામાં આવેલા દારૂ અને બિયરનો જથ્થો મુન્દ્રા-પ્રાગપર ચોકડી પાસેથી જપ્ત કરવામાં આવ્યો હતો, જેની કુલ કિંમત લગભગ ₹82 લાખ જેટલી થાય છે. આ જથ્થામાં 70,22,400 રૂપિયાની કિંમતની 7,584 બોટલ દારૂ અને 11,84,400 રૂપિયાની કિંમતના 5,640 બિયરનાં ટીનનો સમાવેશ થાય છે.
ગયા માત્ર ચાર મહિનામાં જ બુટલેગર યુવરાજસિંહ જાડેજાના નેટવર્ક પર કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન આશરે ₹5.19 કરોડનો દારૂ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. જો આ આખા કેસની પૃષ્ઠભૂમિ જોવામાં આવે તો 24 મેના રોજ એસએમસીની ટીમે ત્રગડીમાંથી ₹83.78 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ 9 જુલાઈએ એલસીબીએ તલવાણા વિસ્તારમાંથી ₹1.54 કરોડનો શરાબ પકડ્યો હતો. 5 ઓગસ્ટે ફરી ત્રગડી વિસ્તારમાંથી ₹41.45 લાખનો દારૂ જપ્ત થયો હતો. 6 સપ્ટેમ્બરે બનાસકાંઠાની એલસીબીએ ₹1.17 કરોડનો શરાબ કબજે કર્યો હતો, જ્યારે 10 સપ્ટેમ્બરે કોડાય પોલીસે ₹40.78 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો. હવે આ નવી કાર્યવાહી સાથે કુલ આંકડો ₹5.19 કરોડથી પણ વધુ પહોંચી ગયો છે.
આ બધા જ કેસોમાં ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે દર વખતે માત્ર દારૂ ભરેલી ટ્રકો કે સાગરિતો જ ઝડપાય છે, જ્યારે મુખ્ય આરોપી યુવરાજસિંહ જાડેજા પોલીસની પકડથી સુરક્ષિત રહ્યો છે. આ મુદ્દાને લઈને કચ્છમાં ચર્ચા અને શંકા વધી રહી છે કે, પોલીસ ઇચ્છે તો ‘પાતાળમાંથી પણ આરોપીને શોધી લાવી શકે’, છતાં અહીં યુવરાજસિંહ વારંવાર બચી જતો રહે છે. આથી પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે કે શું આરોપી પ્રત્યે ઢીલાશ અપનાવવામાં આવી રહી છે કે પછી કોઈ આંતરિક રક્ષણ છે. સતત કરોડો રૂપિયાનો દારૂ પકડાઈ રહ્યો છે, પરંતુ આરોપી ગેરકાયદે શરાબના રેકેટને ચલાવતો રહે છે તે સ્થાનિક સ્તરે ચિંતા અને ચર્ચાનો મુદ્દો બની ગયો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel