પાકિસ્તાનના કબજા હેઠળનો કાશ્મીર (પીઓકે) એવું એક ક્ષેત્ર છે જેના વિશે પાકિસ્તાન સતત આ દાવો કરતું આવ્યું છે કે ત્યાંના લોકો ખૂબ ખુશ છે અને તેઓ પાકિસ્તાન પ્રત્યે ભક્તિભાવ રાખે છે. પરંતુ ઈન્ટરનેશનલ ક્રાઈસિસ ગ્રૂપ અને એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ જેવા વિશ્વસનીય સંસ્થાઓના તાજા અહેવાલો આ દાવાઓને ખોટા સાબિત કરે છે. પીઓકેમાં ભોજનની કટોકટી, વીજળી અને આરોગ્યસેવાઓનો અભાવ, રોજગારીનો ભયંકર સંકટ અને સૈન્ય દમનના કારણે સ્થાનિક જનતા અતિશય કષ્ટમય જીવન જીવી રહી છે.
પીઓકેના મુઝફ્ફરાબાદ, ગિલગિત, રાવલકોટ, મીરપુર, કોટલી અને હજીરા જેવા વિસ્તારોમાં લોકો ભીષણ તંગીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં સરકાર દ્વારા અગાઉ અપાતી ઘઉંની સબસિડીયુક્ત સપ્લાય છેલ્લા કેટલાય મહિનાઓથી બંધ છે. શહેરોમાં પણ સ્થિતિ બહું જ દયનીય છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ જ્યારે ઘઉં ઉપલબ્ધ થાય છે ત્યારે તેની કિંમત ₹100 થી ₹120 પ્રતિ કિલો સુધી પહોંચી જાય છે, જે અગાઉ ₹30-₹35 હતી. આ ભાવવૃદ્ધિએ ગરીબોની થાળીમાંથી રોટલી ગુમ કરી દીધી છે.
વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP)ના 2025ના દેખરેખ અહેવાલ મુજબ પીઓકેના ગ્રામીણ વિસ્તારોમાં 30 ટકાથી વધુ પરિવારો એવા છે કે જેમને દિવસે એક ટંક પણ ભોજન નથી મળતું. માત્ર ઘઉં જ નહીં, પણ દૂધ, દાળ, શાકભાજી જેવા મૂળભૂત આહારપદાર્થો પણ દુર્લભ બની ગયા છે. આ સંકટ પાછળનું મુખ્ય કારણ એ છે કે પીઓકેની તમામ સપ્લાય ચેન પર પાકિસ્તાની સૈન્યનો નિયંત્રણ છે અને સ્થાનિક નાગરિકો હાંસિયામાં ધકેલાઈ ગયા છે.
ઉલટા, પીઓકેમાં આવેલી નીલમ-ઝેલમ હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાંથી પાકિસ્તાનને 970 મેગાવોટ વીજળી મળે છે, છતાં એ છે કે જે જમીન પર આ વીજળી ઉત્પન્ન થાય છે ત્યાંના નાગરિકોને 14 થી 16 કલાક લાંબા વીજકાપનો સામનો કરવો પડે છે. ક્યારેક તો ત્રણથી ચાર દિવસ સુધી વીજળી મળતી નથી.
આર્થિક શોષણ ઉપરાંત પીઓકેમાં સૈન્ય દમન પણ સતત વધી રહ્યો છે. જમીન સંપાદન, ગેરકાયદે અટકાયત અને અન્ય પ્રકારના માનવાધિકાર ઉલ્લંઘનોના પણ અનેક કેસ સામે આવ્યા છે. એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ અને ઈન્ટરનેશનલ ક્રાઈસિસ ગ્રૂપે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) અને આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે તેઓ પીઓકેમાં સ્વતંત્ર તપાસ માટે પાકિસ્તાન પર દબાણ લાવે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાની સૈન્ય અને સરકાર દ્વારા મીડિયાને ભયમાં રાખવામાં આવી રહી છે, જેના કારણે પીઓકેમાં બનતી ભયાનક માનવ અધિકાર ઉલ્લંઘનો અને ત્રાસદાયક પરિસ્થિતિઓ વિશે માહિતી બહાર જ નથી આવતી. પીઓકે આજે માત્ર એક દબાયેલું વિસ્ફોટક ક્ષેત્ર જ નથી, પરંતુ એ માનવતાની કરૂણતા અને આંતરરાષ્ટ્રીય મૂલ્યસભ્યતાની પૃષ્ઠભૂમિ પર એક ઝાઝરતું પ્રશ્નચિહ્ન બની ગયું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel