જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ ફરી એકવાર આતંકવાદને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી પાકિસ્તાનની આંતરિક સ્થિતિમાં સુધારો નહીં થાય, ત્યાં સુધી કાશ્મીરથી આતંકવાદ સંપૂર્ણ રીતે ખતમ થવાની શક્યતા નથી. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, “હું દાવો કરું છું કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ કદી પૂરો નહિ થાય, જો પાડોશી દેશ પાકિસ્તાન પોતે સુધરશે નહીં.” આ નિવેદન રાજકીય માહોલમાં ચર્ચાનો વિષય બન્યું છે, ખાસ કરીને ત્યારે જ્યારે કેન્દ્ર સરકાર અને સુરક્ષા દળો આતંકી તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહ્યા છે.
બીજી તરફ, 5 ઓગસ્ટ — જે દિવસે 2019માં કલમ 370 રદ કરીને જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરવામાં આવ્યો હતો. તેથી રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત ચુસ્ત બનાવી દેવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની ત્રાસદાયક પ્રવૃત્તિઓ સામે ભારતની સુરક્ષા દળોએ મક્કમ કાર્યવાહી કરી છે. અત્યારસુધીના અંકડા દર્શાવે છે કે વર્ષ 2025ના પ્રથમ સાત મહિનામાં કુલ 58 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે, જેમાંથી 31 પાકિસ્તાની અને 27 સ્થાનિક આતંકવાદીઓ છે.
ખાસ કરીને 22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોની હત્યા બાદ સુરક્ષા દળોએ સતત અથડામણોમાં મોટી સફળતા મેળવી છે. માત્ર એપ્રિલ મહિને 24-25 તારીખે જ 6 અલગ અલગ અથડામણોમાં 21 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. આ પૃષ્ઠભૂમિમાં ફારૂક અબ્દુલ્લાની આતંકવાદ કદી પૂરો નહીં થાય તેવી ટિપ્પણી પર અનેક રાજકીય પક્ષોએ નિંદા કરી છે અને તેમને આતંકી તત્વોને ઉત્સાહિત કરનાર તરીકે ગણાવ્યા છે.
ગત સમયે પણ ફારૂક અબ્દુલ્લાએ આતંકી હુમલાઓ બાદ માનવતા માટે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કાશ્મીરના લોકોમાં એકતાની અપીલ કરી હતી. તેમણે એ પણ કહ્યું હતું કે પહલગામ હુમલો દેશના ગુપ્તચર તંત્ર અને સુરક્ષા વ્યવસ્થાની નિષ્ફળતાનું પરિણામ છે. તેમ છતાં, તેમનું તાજેતરનું નિવેદન એવો સંકેત આપે છે કે તેઓ આતંકવાદનું સમાધાન આંતરિક રીતે નહીં, પરંતુ પાકિસ્તાનના સંદર્ભમાં પણ શોધે છે – જે મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા વિમર્શમાં ખૂબ જ સ્પર્શક છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel