નડિયાદ સહિત ખેડા જિલ્લામાં રાત્રે લઘુતમ તાપમાનનો પારો ગગડીને આશરે ૧૫ ડિગ્રીએ પહોંચ્યો હતો. દિવસ દરમિયાન તાપ વચ્ચે સાંજથી લઈ પરોઢ સુધી ઠંડીનો ચમકારો અનુભવાતા લોકોએ ગરમ કપડાં પહેરવાના શરૂ કરી દીધું છે, આ સાથે રાત્રીના સમયે ચા ના સ્ટોલ ઉપર પણ યુવાનોની ભીડ શરુ થઇ છે.
ચરોતર પંથકમાં નવેમ્બર મહિનાના અંતમાં ઠંડીનું જોર વધ્યું છે, હાલમાં ખેડા જિલ્લામાં રાત્રીના સમયે લઘુતમ તાપમાનનો પારો ગગડીને ૧૫ ડિગ્રીએ પહોંચી જતાં જિલ્લાવાસીઓને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જ્યારે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ અને મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી રહેતા તડકાના કારણે ઓછી ઠંડી અનુભવાઈ રહી છે. જોકે, રાત્રે ઠંડીનો ચમકારો થતાં લોકોએ ગરમ કપડાં કાઢવાનું શરૂ કરી દીધું છે, નડિયાદમાં ઠેર ઠેર ગરમ કપડાં સ્વેટર, શાલ, મફલર, ગરમ ટોપી સહિતની વસ્તુઓની હાટડીઓ શરૂ થઈ ગઈ છે. તેમજ લોકો પણ બજારમાં ગરમ વસ્ત્રોની ખરીદી કરતા નજરી પડી રહ્યાં છે.