દેશમાં વધી રહેલી મોંઘવારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કામદારો માટે લઘુત્તમ વેતન દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ગુરુવારે, શ્રમ અને રોજગાર મંત્રાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે સરકારે લઘુત્તમ વેતન દરમાં વધારો કર્યો છે અને ચલ મોંઘવારી ભથ્થા (VDA) માં સુધારો કર્યો છે. આ નિર્ણયથી અસંગઠિત ક્ષેત્રના કામદારોને વધતી મોંઘવારી અને જીવનનિર્વાહના ખર્ચનો સામનો કરવામાં મદદ મળશે.
સુધારેલા વેતન દરોથી એવા કામદારોને ફાયદો થશે જેઓ બાંધકામ, લોડિંગ-અનલોડિંગ, દરવાન, સફાઈ, ઘરકામ, ખાણકામ અને કૃષિ જેવા કામોમાં રોકાયેલા છે અને જેઓ કેન્દ્ર સરકારના કાર્યક્ષેત્રમાં આવે છે. આ નિર્ણયથી અસંગઠિત ક્ષેત્રના કામદારોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તેમની આવકમાં વધારો થશે, જે તેમને ફુગાવાના પડકારોનો સામનો કરવામાં રાહત આપશે.
નવા વેતન દરો 1 ઓક્ટોબર, 2024થી લાગુ થશે. અગાઉ, વેતન દરમાં છેલ્લે એપ્રિલ 2024માં ફેરફાર કરવામાં આવ્યો હતો. કામદારોનું લઘુત્તમ વેતન તેમના કૌશલ્ય સ્તર અને ભૌગોલિક વિસ્તારના આધારે નક્કી કરવામાં આવે છે. કૌશલ્ય સ્તર મુજબ, કામદારોને અકુશળ, અર્ધ-કુશળ, કુશળ અને ઉચ્ચ કુશળ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવે છે, જ્યારે ભૌગોલિક વિસ્તારોને A, B અને C શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવે છે.
કયા મજૂરોને કેટલા મળશે
નવા સુધારેલા દરો મુજબ, બાંધકામ અને હાઉસ કિપિંગના કર્મચારીઓને રોજના 783ની રોજી, મહિને 20,358 રુપિયા મળશે જ્યારે અર્ધ કુશળ કામદારોને રોજના રુ.868 લેખે 22,568 મળશે જ્યારે કુશળ અને બીજા કામદારોને રોજના 954 લેખે મહિનાના 24,804 મળશે. ઉચ્ચ કુશળ કામદારોને 1,035ના લેખે મહિને 26,910 રુપિયા મળશે.