શક્તિ સ્થાનક માંગલધામ ભગુડાનાં પાંચ હજારથી વધુ સ્વયંસેવકો અને ભાવિકોએ સોમનાથ, દ્વારકા અને ભીમરાણાની તીર્થ યાત્રા માણી છે. લોકસાહિત્યકાર માયાભાઈ આહિર પ્રેરિત યાત્રા સાથે અગ્રણીઓ પણ જોડાયાં હતા. આ દરમિયાન દ્વારકામાં લોકડાયરો યોજાયો હતો.
ગોહિલવાડનાં સુપ્રસિદ્ધ શક્તિસ્થાનક માંગલધામ સાથેનાં પાંચ હજારથી વધુ સ્વયં સેવકોએ મંગળવારથી ગુરુવાર દરમિયાન તીર્થ યાત્રા લાભ લીધો છે.
માંગલ માતાજી સ્થાનકનાં વડા અને જાણીતાં લોકસાહિત્યકાર માયાભાઈ આહિર પ્રેરિત આ યાત્રા મંગળવારે ભગુડાથી પ્રસ્થાન થઈ બુધવારે સોમનાથ મહાદેવ તીર્થમાં ધ્વજારોહણ તથા ગુરુવારે દ્વારકા તીર્થમાં ધ્વજારોહણ પ્રસંગ આસ્થા અને ઉમંગ સાથે યોજાયેલ. દ્વારકાથી આ યાત્રા મોગલધામ ભીમરાણા પહોચી અને ભાવિકોએ દર્શન લાભ લીધો.
યાત્રા પ્રેરક અને શુભેચ્છક રહેલ માયાભાઈ આહિરે દ્વારકાધીશ ધ્વજારોહણ પ્રસંગે અહોભાવ રાજીપો વ્યક્ત કરતાં કહ્યું કે, આજની તિથિએ શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ પણ યોગાનુયોગ હોય અહીંયા સવારે પ્રથમ ધ્વજા માંગલ માતાનાં સ્થાનની આવી છે. આ સાથે જ મહાવીર જયંતી દિવસનો પણ સાનંદ ઉલ્લેખ કર્યો.
સ્વયંસેવક તીર્થ યાત્રા સાથે જાણીતાં લોકસાહિત્ય મર્મી ઉદઘોષક મહેશભાઈ ગઢવી સાથે અગ્રણીઓ અને શુભેચ્છકો મોટી સંખ્યામાં જોડાયાં.
દ્વારકામાં આ દરમિયાન બુધવારે સાંજે યોજાયેલ લોકડાયરામાં પોપટભાઈ માલધારી સાથે દીપકબાપુ હરિયાણી, રાજ ગઢવી તથા ભૂમિ આહિર દ્વારા થયેલ પ્રસ્તુતિની મોજ પડી હતી.