કપડવંજ તાલુકાના યુવાન અકસ્માતમાં ઘાયલ થતાં ડોક્ટરોએ બ્રેઈન ડેડ જાહેર કરતા તેઓની માતાએ યુવકના ચાર અંગોનું દાન આપી સમાજ માટે પ્રેરણા રૂપ દાખલો બેસાડ્યો હતો.
કપડવંજ તાલુકાના રહેવાસી અને ખેત મજૂરી કરતાં ૧૯ વર્ષનાં યુવાન કિશનભાઇ પરમાર પોતાની બહેનને પરીક્ષામાં મુકીને પરત ફરી રહ્યાં હતાં. દરમ્યાન એકાએક બાઇક સ્લીપ થતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.યુવકની સ્થિતિ ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાયડ ખાતે વાત્રક હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યાં હતા.સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મંગળવારે તબીબોએ યુવકને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતાં.કિશનભાઈના પિતા આ દુનિયામાં હયાત ન હોવાથી કિશનભાઈ,તેમના બે ભાઇ બહેન સાથેના પરિવારનું ખેતી કામ કરી ઘર ચલાવતા હતા. બ્રેઇન ડેડ જાહેર કરાયા બાદ કિશનભાઇના માતા ગીતાબેન ગીરધરભાઈ પરમારને સિવિલ હોસ્પિટલ ડોક્ટરોની ટીમ દ્વારા અંગદાન વિષે સમજાવ્યું હતું. માતા ગીતાબેન પરમારે કાળજા પર પથ્થર મુકી ભારે હૈયે દિકરા કિશનના અંગોના દાન થકી બીજા ચાર જરૂરિયાતમંદ વ્યકિતઓને જીવનદાન આપવાનો ઉમદા નિર્ણય કર્યો છે.