ઇઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ વધી રહ્યો છે. બંને એકબીજા પર મિસાઇલો અને ડ્રોન ફાયર કરી રહ્યા છે. આ દરમિયાન, ભારત ઈરાનથી પોતાના નાગરિકોને સુરક્ષિત રીતે પાછા લાવી રહ્યું છે. ભારતે યુદ્ધ ક્ષેત્ર ઈરાનથી પોતાના નાગરિકોને પાછા લાવવા માટે ઓપરેશન સિંધુ શરૂ કર્યું છે. આ ઓપરેશન હેઠળ અત્યાર સુધીમાં 517 ભારતીયો પાછા ફર્યા છે. વિદેશ મંત્રાલયના 2025ના અહેવાલ મુજબ, ઈરાનમાં 10,765 ભારતીયો રહે છે.
આના થોડા કલાકો પહેલા, શુક્રવારે (20 જૂન) મોડી રાત્રે, ઈરાનના મશહદથી બીજી એક ફ્લાઇટ 290 ભારતીય વિદ્યાર્થીઓને ભારત લઈને પહોંચી હતી. વિમાનમાંથી ઉતરતાની સાથે જ લોકોએ ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ’ અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર ઘણા લોકો ભાવુક થઈ ગયા. તેઓએ એકબીજાને ગળે લગાવીને પોતાની ખુશી વ્યક્ત કરી.
અત્યાર સુધીમાં 517 ભારતીયો પાછા ફર્યા
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ઈરાનથી ભારતીયોને પાછા લાવવા અંગે માહિતી આપતી પોસ્ટ કર્યું. તેમણે કહ્યું કે, તુર્કમેનિસ્તાનના અશ્ગાબતથી ફ્લાઇટ 21 જૂનના રોજ 03:00 વાગ્યે નવી દિલ્હી પહોંચી, જેમાં ઈરાનથી ભારતીયોને ઘરે લાવવામાં આવ્યા. તેમણે વધુમાં કહ્યું કે, ઓપરેશન સિંધુ હેઠળ અત્યાર સુધીમાં 517 ભારતીય નાગરિકો ઈરાનથી ભારત પરત ફર્યા છે.
ઈરાનથી ભારત પરત ફરેલા મોટાભાગના વિદ્યાર્થીઓ જમ્મુ અને કાશ્મીરના હતા. કેટલાક વિદ્યાર્થીઓ દિલ્હી, હરિયાણા, કર્ણાટક અને પશ્ચિમ બંગાળના પણ છે. પરત ફરનારાઓમાં મોટાભાગના એવા છે જેઓ ઈરાન યાત્રા પર ગયા હતા જ્યારે ઘણા વિદ્યાર્થીઓ ત્યાં મેડિસિનનો અભ્યાસ કરી રહ્યા હતા. તેહરાન યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ કહ્યું, ‘આ મુસાફરી સંઘર્ષોથી ભરેલી હતી, પરંતુ ભારતીય દૂતાવાસ અને ભારત સરકારની મદદથી, અમે સુરક્ષિત રીતે ઘરે પાછા ફરવામાં સફળ રહ્યા. અમારા માતાપિતા ખૂબ ચિંતિત હતા.’
‘ઓપરેશન સિંધુ’ હેઠળ 1000 ભારતીય નાગરિકો આવશે સ્વદેશ
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, ભારત સરકારે ‘ઓપરેશન સિંધુ’ શરૂ કર્યું જેથી ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે પાછા લાવી શકાય. આ પહેલા ગુરુવારે પણ 110 ભારતીય વિદ્યાર્થીઓને આર્મેનિયા અને દોહા થઈને ભારત લાવવામાં આવ્યા હતા. સમગ્ર ‘ઓપરેશન સિંધુ’ હેઠળ, લગભગ 1,000 ભારતીય નાગરિકોને ઘરે પાછા લાવવામાં આવી રહ્યા છે.
વિદ્યાર્થીઓએ વ્યક્ત કર્યો પીએમનો આભાર
જમ્મુ અને કાશ્મીર સ્ટુડન્ટ એસોસિએશને સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરીને પીએમ મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરનો ભારત પાછા લાવવા બદલ આભાર માન્યો. એસોસિએશને લખ્યું, ઈરાનના મશહદથી 290 વિદ્યાર્થીઓને લઈને મહાન એર ફ્લાઇટ ભારત આવી, જેમાંથી મોટાભાગના જમ્મુ અને કાશ્મીરના છે, તે હમણાં જ નવી દિલ્હીમાં સુરક્ષિત રીતે ઉતરી ગઈ છે. આ બાબતમાં સમયસર હસ્તક્ષેપ અને સમર્થન બદલ પીએમ મોદી, વિદેશ મંત્રી એસ જયશંકર અને તમામ સંબંધિત અધિકારીઓનો આભાર. એસોસિએશનનું કહેવું છે કે આ તે પરિવારો માટે મોટી રાહત છે જેઓ લાંબા સમયથી તેમના બાળકોની સલામત વાપસી માટે ચિંતિત હતા.
ઈરાને આપી એર સ્પેસનો ઉપયોગ કરવાની પરવાનગી
પહેલા બધા વિદ્યાર્થીઓ અને યાત્રાળુઓને તેહરાનથી માશહદ લાવવામાં આવ્યા, જ્યાંથી તેમને ભારતીય અધિકારીઓ સાથે કોઓર્ડિનેશનમાં ખાસ ફ્લાઇટ્સ દ્વારા ભારત મોકલવામાં આવ્યા. આ સમગ્ર અભિયાનમાં ઈરાન દ્વારા તેની એર સ્પેસનો ઉપયોગની મંજૂરી આપવી સૌથી મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થયું.