આજે છત્તીસગઢમાં સીએમના શપથ પહેલા નક્સલી દ્વારા IED બ્લાસ્ટ કરવામાં આવ્યો છે જેમાં એક જવાન શહીદ થયો છે જ્યારે અન્ય એક જવાન ઘાયલ થયો છે. ઉલ્લેખનીય છે કે આજે વિષ્ણુદેવ સાંઈ રાજધાનીમાં આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના હતા.
આજે રાજ્યની રાજધાનીમાં નવા CMનો શપથ ગ્રહણ સમારોહ યાજાશે
આજે છત્તીસગઢના મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ યોજાનાર છે. જેમાં વિષ્ણુદેવ સાંઈ રાજધાનીમાં રાયપુરમાં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવાના છે જેમાં દેશના વડાપ્રધાન સહિત 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ, ચાર કેન્દ્રીય મંત્રીઓ રાજધાની રાયપુર આવી રહ્યા છે ત્યારે રાજ્યના નારાયણપુર જિલ્લામાં નક્સલવાદીઓએ IED બ્લાસ્ટ કર્યો છે જેમાં એક સૈનિક શહીદ થયા છે જ્યારે એક જવાન ઘાયલ થયો છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ નક્સલીઓએ આ હુમલો નારાયણપુરની આમદાઈ ખાણમાં કર્યો છે. CAF બટાલિયનના સૈનિકો નક્સલીઓને પકડમાં આવી ગયા છે. આ હુમલામાં CAF કોન્સ્ટેબલ કમલેશ સાહુ શહીદ થયા હતા, જ્યારે કોન્સ્ટેબલ વિનય કુમાર સાહુ ઘાયલ થયા છે. એસપી પુષ્કર શર્માએ હુમલાની પુષ્ટિ કરી છે.
આ અગાઉ પણ નક્સલવાદીઓએ હુમલા કર્યા છે
આ અગાઉ સોમવારે સુકમા જિલ્લામાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો હતો. જેમાં બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ કિસ્તારામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. અહીં સુરક્ષા કર્મચારીઓની સંયુક્ત ટીમ રોડ બનાવવાના કામમાં સુરક્ષા પૂરી પાડવા પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે આ બ્લાસ્ટ કર્યો હતો. આ સિવાય છત્તીસગઢમાં બીજા તબક્કાના મતદાનના દિવસે પણ નક્સલવાદીઓએ નાપાક પ્રવૃત્તિઓ કરી હતી અને CRPFની ટીમ પર હુમલો કર્યો હતો. નક્સલવાદીઓએ પેટ્રોલિંગમાં નીકળેલી CRPF અને DRGની ટીમો પર એક પછી એક IED બ્લાસ્ટ કર્યા હતા. તે જ દિવસે નક્સલવાદીઓએ છત્તીસગઢના બિન્દ્રાનવાગઢમાં ચૂંટણી ફરજમાં લાગેલી ટીમ પર હુમલો કર્યો હતો. આ નક્સલી હુમલામાં ITBPનો એક જવાન શહીદ થયો હતો. બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ પોલિંગ ટીમ પરત ફરી રહી હતી ત્યારે આ IED બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.