નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFCs)માંથી વ્યક્તિ ઇમરજન્સીની સ્થિતિમાં ડિપોઝિટની ૧૦૦ ટકા રકમ પ્રથમ ત્રણ મહિનામાં ઉપાડી શકશે. NBFCના નિયમોની સમીક્ષામાં રિઝર્વ બેન્કે કહ્યું હતું કે, આવા ઉપાડ પર કોઈ વ્યાજ ચૂકવવામાં નહીં આવે અને ફેરફાર ૧ જાન્યુઆરી, ૨૦૨૫થી અમલી બનશે.
રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે, “ગંભીર બીમારીની સ્થિતિમાં થાપણદારને ડિપોઝિટ સ્વીકાર્યાના ત્રણ મહિનાની અંદર થાપણની સંપૂર્ણ રકમ પરત કરવાની રહેશે. જો કે, તેની પર વ્યાજ ચૂકવવામાં નહીં આવે.” મેડિકલ ઇમરજન્સી અથવા કુદરતી આફતને કારણે આવી પડેલા ખર્ચાની સ્થિતિમાં વ્યક્તિ થાપણ ઉપાડી શકશે. નાણાંની જરૂર ઇમરજન્સી માટે ન હોય અને ત્રણ મહિનાની અંદર ઉપાડની માંગણી કરવામાં આવે તો એનબીએફસી કોઈ વ્યાજ વગર થાપણની ૫૦ ટકા સુધીની રકમ ચૂકવી શકશે. રિઝર્વ બેન્કના જણાવ્યા અનુસાર ડિપોઝીટની મૂળ રકમના મહત્તમ ૫૦ ટકા અથવા રૂ.૫ લાખમાંથી જે ઓછી હોય એ રકમની ચુકવણી કરાશે. રિઝર્વ બેન્કે એનબીએફસીને મેચ્યોરિટીના ૧૪ દિવસ પહેલાં થાપણદારને જાણ કરવાની રહેશે. વર્તમાન નિયમ પ્રમાણે વ્યક્તિની મેચ્યોરિટીની જાણ બે મહિના પહેલાં કરવાની હોય છે.
રિઝર્વ બેન્કે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ અને NBFCsના નિયમોની સમીક્ષા કરી હતી. જેનો હેતુ બંનેના નિયમોમાં સુમેળ સાધવાનો હતો. એનબીએફસી માટે લિક્વિડ એસેટ્સની લઘુતમ ટકાવારીમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. નિયમ અનુસાર હવે તમામ ડિપોઝિટ લેતી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓએ જાહેર થાપણના ૧૫ ટકા સુધીની લિક્વિડ એસેટ્સ જાળવવી પડશે, જે અત્યારે ૧૩ ટકા છે. હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓએ ક્રેડિટ એજન્સીઓ દ્વારા વર્ષમાં ઓછામાં ઓછી એક વખત ‘ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ’ રેટિંગ નિશ્ચિત કરવાનું રહેશે. હોમ ફાઇનાન્સ કંપનીઓ ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ ક્રેડિટ રેટિંગ ન મળે ત્યાં સુધી વર્તમાન થાપણો રિન્યૂ કરી શકશે નહીં કે નવી થાપણ સ્વીકારી નહીં શકે.