કેન્દ્ર સરકાર હાઇવે અને એક્સપ્રેસ વે પર અંતર પ્રમાણે ટોલની નીતિ પર એક કદમ આગળ વધી રહી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જણાવ્યું છે કે “ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS) નો ઉપયોગ કરતા ખાનગી વાહન માલિકોને હાઇવે અને એક્સપ્રેસ વે પર 20 કિલોમીટર સુધીની મુસાફરી માટે દરરોજ કોઈ ટોલ વસૂલવામાં આવશે નહીં.”
મંત્રાલયે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફી નિયમ, 2008માં સુધારો કર્યો છે. સુધારેલા નિયમો હેઠળ GNSSનો ઉપયોગ કરીને ખાનગી વાહનો પાસેથી 20 કિલોમીટરથી વધુની વાસ્તવિક મુસાફરી માટે હવે ટોલ ટેક્સ વસૂલવામાં નહી આવે.
આ લોકોને મળશે ફાયદો
મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ આધારિત યુઝર ફી કલેક્શન સિસ્ટમ હેઠળ રાષ્ટ્રીય પરમિટ ધરાવતા વાહન સિવાયના અન્ય વાહનના ડ્રાઇવર, માલિક અથવા વ્યક્તિ પાસેથી રાષ્ટ્રીય રાજમાર્ગ, કાયમી પુલ, બાયપાસ અથવા ટનલના ઉપયોગ પર એક દિવસમાં દરેક દિશામાં 20 કિલોમીટર સુધીની મુસાફરી માટે ઝીરો-યુઝર ચાર્જ લાદવામાં આવશે. એટલે 20 કિલોમીટરની મુસાફરી પર કોઈ ચાર્જ લેવામાં નહીં આવે.
ટોલ પ્લાઝા GNSS પર આધારિત હશે
મંત્રાલયે આ વર્ષે જુલાઈમાં કેટલાક રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર GNSS આધારિત ટોલ કલેક્શન સિસ્ટમને પાયલોટ પ્રોજેક્ટના આધારે લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. આ વર્ષે જૂનમાં આ ફી વસૂલાત સિસ્ટમને મોટા પાયે લાગુ કરવા માટે વૈશ્વિક અરજીઓ પણ આમંત્રિત કરવામાં આવી હતી.
ભારતમાં આગામી સમયમા પરિવહન શ્રેત્રે શ્રેષ્ઠ પ્રથા લાવવા વડાપ્રધાનનું આહ્વાન
ભારત આવનારા સમયમાં ઈલેક્ટ્રિક વાહનોનું મેન્યુફેક્ચરિંગ હબ બનશે અને તેના માટેની તમામ કોશિશો ચાલુ છે. આજે મગળવાર, 10 સપ્ટેમ્બરના રોજ SIAM વાર્ષિક કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટર વાહન ઉત્પાદક ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે વાત કરતાં કહ્યું કે, “ભારતમાં વૈશ્વિક લેવલે અપનાવવા યોગ્ય શ્રેષ્ઠ અને સર્વોચ્ચ પ્રથાઓ લાવવા અને સ્વચ્છ પરિવહન પર કામ કરવા માટે આહ્વાન કર્યું હતું.” તો કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે “ભારતનું ઈલેક્ટ્રિક વાહન બજાર 2030 સુધીમાં એક કરોડ યુનિટના વાર્ષિક વેચાણના આંકડાને સ્પર્શી જશે અને તેનાથી 5 કરોડ નોકરીઓનું સર્જન થશે.”