વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (મંગળવારે) વિપક્ષો ઉપર તણખા ઝરતા ઉગ્ર પ્રહારો કર્યા હતા, અને કહ્યું હતું કે સંસદની કાર્યવાહી ખોરવવાની તેની આ રીતિ-નીતિ તેઓની હતાશા જ દર્શાવે છે. વિધાનસભાઓની ચૂંટણીઓમાં તેઓને મળેલા પ્રચંડ પરાજયથી તેઓ હતાશ થઈ ગયા છે. હવે તેઓ ૨૦૨૪માં પણ વધુ ‘ભૂમિ’ ગુમાવશે જ.
ભાજપ સંસદીય પક્ષની સાપ્તાહિક બેઠકને સંબોધન કરતાં તેઓએ કહ્યું હતું કે ૧૮મી સામાન્ય ચૂંટણીમાં ભાજપને લાભ જ મળવાનો છે. જ્યારે વિપક્ષો વધુ સંકોચાશે.
આજે ભાજપ વિરોધી વિપક્ષી ગઠબંધન ઈંડીયાની નવી દિલ્હીમાં બેઠક મળી રહી છે. તેમાં તૃણમૂલના વડા મમતા બેનર્જી, બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર અને અન્ય ટોચના વિપક્ષી નેતાઓ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી વગેરે ઉપસ્થિત છે.
તેવે સમયે વડાપ્રધાને ભાજપના સાંસદોને કરેલા સંબોધનમાં કહ્યું હતું કે વિધાનસભાઓની ચૂંટણીઓમાં પછડાટ મળવાથી હલી ગયેલા વિપક્ષો સંસદની કાર્યવાહી ખોરવી રહ્યાં છે. પરંતુ આપણે તો જનતાલક્ષી કાર્ય કરતા જ રહેવાનું છે.
કેટલાક સાંસદો, સંસદમાં સલામતીના ભંગને ચગાવી-ચગાવી બોલે છે, પરંતુ તે કાર્યવાહી જ સંસદની સલામતીના ભંગ સમાન છે. આ રીતે તો તેઓ ૨૦૨૪માં વધુ ભૂમિ ગુમાવશે.
રાહુલ ગાંધીએ ૧૩મી ડીસેમ્બરે બનેલી તે ઘટનાને યોગ્ય ઠરાવતાં કહ્યું હતું કે તે સલામતી ભંગ બેરોજગારી સામેનાં પ્રદર્શન સમાન હતો. ત્યારથી વિપક્ષોએ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તે વિષે નિવેદન કરવું જોઈએ તેવો આગ્રહ રાખતાં આજના દિવસ સુધી સંસદની કાર્યવાહી ખોરવે રાખી છે.