રાજધાની દિલ્હીમાં કાયદા અને કાનૂનની કથળેલી સ્થિતિને લઈ ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં આજે મહત્ત્વની બેઠક મળી હતી, જેમાં દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા, રાજ્ય ગૃહમંત્રી આશીષ સૂદ, દિલ્હી પોલીસ કમિશ્નર સંજય અરોરા અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી સામેલ થયા હતા. બેઠકનો હેતુ દિલ્હી પોલીસ અને નવી સરકાર વચ્ચે સમન્વય સ્થાપિત કરવા અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો હતો.
શું ચર્ચા થઈ?
બેઠક દરમિયાન રાષ્ટ્રીય રાજધાનીમાં વધતા ગુના અને સુરક્ષા ખતરાને લઈ વિસ્તૃત ચર્ચા થઈ હતી. અમિત શાહે સુરક્ષાને લઈ કડક પગલાં ભરવા જણાવ્યું હતું. તેમણે દિલ્હીની કાનૂન વ્યવસ્થાને મજબૂત બનાવવા પ્રાથમિકતા આપવા કહ્યું હતું. મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ કેન્દ્ર સરકારના સહયોગથી રાજધાનીની સુરક્ષા વ્યવસ્થાને સુદ્રઢ બનાવવાના ઉપાયો પર ચર્ચા કરી હતી.
અમિત શાહ સાથે મુલાકાત બાદ શું કહ્યું રેખા ગુપ્તાએ?
દિલ્હીના મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત બાદ કહ્યું હતું કે, ગૃહ મંત્રાલયમાં શુક્રવારે રાજધાનીના અલગ અલગ મુદ્દા પર મહત્ત્વપૂર્ણ બેઠક થઈ હતી. જેમાં કાનૂન વ્યવસ્થા અને સુરક્ષાને લઈ ચર્ચા કરવામાં આવી હતી. દિલ્હીવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દર મહિને આવી બેઠક યોજવામાં આવશે.