થોડા દિવસ પહેલા વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. જેમાં તેઓ જામનગર ખાતે વનતારા, સાસણગીર અને સોમનાથની મુલાકાત લીધી હતી. ત્યારે 7 દિવસમાં જ ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવનાર છે. ત્યારે તેમના પ્રવાસને લઇ તમામ આયોજન કરી દેવામાં આવ્યું છે.
આગમનને લઇ તૈયારીઓ શરૂ
મળતી માહિતી મુજબ આવતીકાલે સુરતમાં પ્રધાનમંત્રી મોદીનો રોડ શો યોજાશે. જેમાં પર્વત પાટિયાથી લિંબાયત નીલગીરી સુધી 3 કિમીનો રોડ શો યોજાનાર છે. ત્યારે તેમના આગમનને લઇ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પર્વત પાટિયા વિસ્તારમાં દોઢ કરોડના ખર્ચે હેલિપેડ બનાવવામાં આવ્યું છે. જેમાં એરપોર્ટથી પર્વત પાટિયા સુધી હેલિકોપ્ટરમાં રિહર્સલ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીને લઇ સુરત શહેરમાં BRTS બસના 22 રૂટ બંધ કરવામાં આવ્યા છે.
PM મોદી નીલગીરી ગ્રાઉન્ડમાં જાહેરસભા સંબોધશે
શુક્રવારે સાંજે 4થી 6 વાગ્યા સુધી લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે લાભાર્થીઓ માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2 લાખથી વધુ લાભાર્થીઓને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ આવરી લેવાની સાથે વિશાળ જનસભાને સંબોધિત કરાશે. જોકે, તેમાં પહેલા રાજ્યના પુરવઠા મંત્રી, બાદમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને ત્યાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે.
PM મોદી તેમના જાહેર કાર્યક્રમ પૂરો કર્યા બાદ અઠવાલાઇન્સ સ્થિત સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે. સુરતમાં તેમના રોકાણને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે.
આગલા દિવસે, PM મોદી 14 કિમીનું અંતર કાપીને સુરત એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી તેઓ નવસારી કાર્યક્રમ માટે રવાના થશે. તેમના પ્રવાસ માટે સમગ્ર આયોજન પૂર્ણ થઈ ગયું છે, અને દરેક સ્થળે સિક્યુરિટી અને વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી દેવામાં આવી છે.
નવસારીના કાર્યક્રમમાં PM મોદી કયા પ્રોજેક્ટો કે આયોજનમાં સામેલ થવાના છે, તે અંગે વધુ વિગતો ટૂંક સમયમાં બહાર આવવાની સંભાવના છે.