તેલંગણા વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ ચૂંટણીનો પ્રચાર પણ તેજ ગતિ પકડી રહ્યો છે. BJP વતી પીએમ મોદી જોરદાર રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે. સોમવારે પીએમ મોદીએ હૈદરાબાદમાં મેગા રોડ શો કર્યો હતો તેમજ જ્યારે આ પહેલા PM મોદીએ મહબૂબાબાદમાં એક ચૂંટણી રેલીને પણ સંબોધિત કરી હતી.
પીએમ મોદીનો રોડ શો બેગમપેટ એરપોર્ટથી શરૂ થયો હતો અને ગ્રીનલેન્ડ, અમીરપેટ, પુંજાગુટ્ટા, રાજભવન, ઈકબાલ મિનાર, ખૈરાતાબાદ ફ્લાયઓવર, એનટીઆર માર્ગ, કટ્ટા માઈસમ્મા, અશોક નગર, આરટીસી એક્સ જેવા શહેરના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈને કાચીગુડામાં પૂર્ણ થયો હતો. ખુલ્લી જીપમાં ઉભીને પીએમ મોદીને જોવા માટે રોડની બંને બાજુએ લોકોની ભીડ ઉમટી પડી હતી. .
રોડ શો પહેલા તેલંગણાના કરીમનગરમાં એક રેલીના સંબોધન વખતે પીએમ મોદીએ રાજ્યની સત્તાધારી પાર્ટી BRS પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે તેલંગાણામાં બીઆરએસની બોટ ડૂબવાની છે અને તેમને ખબર પડી ગઈ છે કે 3જી ડિસેમ્બરે તેમની ટિકિટ કેન્સલ થઈ જશે. આ જોઈને કેસીઆરના પરિવારમાં પણ મતભેદ શરૂ થઈ ગયો છે.
કોંગ્રેસ પર પ્રહાર કરતાં પીએમએ કહ્યું કે, કોંગ્રેસને વોટ આપવાનો અર્થ છે કેસીઆર માટે ફરીથી સત્તામાં આવવાના દરવાજા ખોલવા. કોંગ્રેસના ધારાસભ્યો ક્યારે BRSમાં સ્વિચ કરશે તેની કોઈ ખાતરી નથી. કેસીઆરને સત્તા પરથી હટાવવાનો એક જ રસ્તો છે અને તે છે ભાજપને લાવવાનો.
તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે 30 નવેમ્બરના રોજ મતદાન થવાનું છે. મતદાનના 48 કલાક પહેલા ચૂંટણી પ્રચારને મોકૂફ રાખવામાં આવશે. આવી સ્થિતિમાં રાજકીય પક્ષો પાસે મંગળવાર સુધીનો જ સમય છે. તેલંગણામાં પીએમ મોદી સિવાય પણ ભાજપના જેપી નડ્ડા સહિત પાર્ટીના ઘણા મોટા નેતાઓ રેલીઓ કરતાં જોવા મળ્યા હતા.