દર પાંચ વર્ષ બાદ સરકાર બદલી નાખવાનો રાજસ્થાનનો ત્રણ દાયકા જૂનો રિવાજ ફરી યથાવત રહ્યો છે. રાજસ્થાનની જનતાએ કોંગ્રેસને સત્તામાંથી હટાવી આગામી પાંચ વર્ષ માટે કમાન ભારતીય જનતા પાર્ટીને સોંપી દીધી છે. ભાજપને પ્રચંડ જીત મળી છે અને જાદૂગર અશોક ગેહલોતના તમામ દાવ બેકાર થઈ ગયા છે. ચૂંટણી પરિણામ બાદ પીએમ મોદીની એક ભવિષ્યવાણીની ખુબ ચર્ચા થઈ રહી છે, જેને લઈને તેમણે કહ્યું હતું કે આ ખોટુ નહીં પડે અને લોકો લખીને રાખી લે.
શું હતી પીએમ મોદીની ભવિષ્યવાણી
હકીકતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીએ અશોક ગેહલોતને લઈને ભવિષ્યવાણી કરી હતી. પીએમ મોદીએ કહ્યુ હતું કે અશોક ગેહલોત ફરી ક્યારેય મુખ્યમંત્રી બની શકશે નહીં. તેમણે કહ્યું હતું કે ગેહલોત આ ચૂંટણી બાદ તો મુખ્યમંત્રી બનશે નહીં અને આગળ પણ ક્યારેય આ પદ પર બેસવાના નથી. હાલમાં પીએમ મોદીની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે. પરંતુ પછી ક્યારેય બનશે કે નહીં તેનો જવાબ તો ભવિષ્યમાં છુપાયેલો છે. પરંતુ રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે 2028 સુધી સંભવ છે કે કોંગ્રેસ નવા નેતૃત્વને આગળ વધારે, કારણ કે અશોક ગેહલોતની ઉંમર પણ થઈ ચૂકી છે.
પીએમ મોદીએ કહ્યું હતું- લખીને રાખી લો
22 નવેમ્બરે પીએમ મોદીએ રાજસ્થાનના ડૂંગરપુરમાં જનસભાને સંબોધિત કરતા ભવિષ્યવાણી કરી હતી. પીએમ મોદીએ કહ્યુ હતુ કે માવજી મહારાજની ભૂમિથી જે ભવિષ્યવાણી થાય છે તે ક્યારેય ખોટી પડતી નથી. પીએમ મોદીએ કહ્યું હતું- આ માજવીની તપસ્યાની ધરતી છે. અહીંની ભવિષ્યવાણી 100 ટકા સાચી પડે છે. હું તેમને પ્રણામ કરતા એક ભવિષ્યવાણીની હિંમત કરવા ઈચ્છુ છું. રાજસ્થાનના લોકો તેને લખીને રાખી લે- હવે રાજસ્થાનમાં ફરી ક્યારેય અશોક ગેહલોતની સરકાર બનશે નહીં.