સરકાર હાલ પોલિયો નાબૂદ કરવા સતત પ્રયત્નશીલ છે. પોલીયો રસીકરણ કાર્યક્રમમાં નાગરિકોના સાથ, સહકાર અને સહયોગથી ભારતને પોલિયો મુક્ત બનાવવા માટે સફળતા પ્રાપ્ત થઈ છે. પોલીયોનો એસ.એન.આઇ.ડી.પ્લસ પોલીયો રસીકરણ કાર્યક્રમ ચાલુ વર્ષે તારીખ ૦૮ ડિસેમ્બર, રવિવારના રોજ ઉજવવામાં આવનાર છે. જે સંદર્ભે નિવાસી અધિક કલેકટર જે.બી.દેસાઈના અધ્યક્ષ સ્થાને એસ.એન.આઈ.ડી.પ્લસ પોલીયો સ્ટીયરીંગ કમીટીની(ડીસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સ ઇમ્યુનાઇઝેશન) મીટીંગનું આયોજન થયું હતું.
જિલ્લાના વિવિધ સ્થળોએ પોલીયોના કાર્યક્રમને સફળ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ આયોજન સંદર્ભે નિવાસી અધિક કલેકટર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. નિવાસી અધિક કલેક્ટર દ્વારા તમામ વિસ્તારો આવરી લેવામાં આવે તેની ખાસ તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી હતી. વધુમાં સ્થાનિક સ્તરે વહીવટી તંત્ર સાથે યોગ્ય સંકલન સાધીને સંબંધિત અધિકારીને લોકોમાં વધુ જાગૃતતા ફેલાય તે માટે સઘન કામગીરી કરવાનું માર્ગદર્શન આપ્યું હતું.
આથી આપના ૦ થી પ વર્ષની વયના અગાઉ રસી લીધેલ હોય તો પણ તેમજ બાળક બીમાર હોય તો પણ આપના બાળકને તારીખ ૦૮ ડિસેમ્બર, રવિવાર ના રોજ નજીકના પોલીયો રસીકરણ બુથ ઉપર લઈ જઈ પોલીયો વિરોધી રસીના ટીંપા અવશ્ય પીવડાવવા જિલ્લાની જાહેર જનતાને જિલ્લા વહીવટી તંત્ર ધ્વારા જાહેર અપીલ કરવામાં આવે છે.
આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન (પંચાયત), મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર, પ્રોગ્રામ ઓફિસર અને ચીફ ઓફિસર સહિત વહીવટી તંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.