વર્ષ 2022-23નું રીવાઈઝ અને વર્ષ 2023-24ના ડ્રાફ્ટ બજેટ અંગે પાલિકામાં બેઠકનો દોર શરૂ થયો છે. વિવિધ વિભાગના વડાઓની ચીફ એકાઉન્ટન્ટ સાથે આ અંગે જરૂરી ચર્ચા વિચારણા શરૂ કરવામાં આવી છે.
કોર્પોરેશનનું બજેટ જાન્યુઆરી મહિનાની 20 તારીખ પછી સ્થાયી સમિતિમાં રજૂ કર્યા બાદ ફેબ્રઆરી મહિનાની તા.15થી 20 દરમિયાન સભામાં રજૂ કરી તેને મંજૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જેને ધ્યાનમાં લઇ પાલિકાએ બજેટને અનુલક્ષીને વિવિધ પ્રક્રિયા શરૂ કરી છે. બજેટને ઓપ આપવા માટે ચીફ એકાઉન્ટ સંતોષ તિવારીની સાથે પાલિકાના વિવિધ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર તથા જે તે વિભાગના વડાઓ સાથે બેઠક ચાલી રહી છે. જે અંતર્ગત વિવિધ વિભાગ દ્વારા ગત છ મહિનામાં થયેલ કામગીરીના આંકડાકીય અહેવાલ મંગાવવામાં આવી રહ્યા છે. જ્યારે આગામી ચાર મહિના માટે થનાર ખર્ચની માંગ સમજવામાં આવી રહી છે. આ ઉપરાંત આગામી નાણાકીય વર્ષ માટે જે તે વિભાગને ભવિષ્યમાં થનાર ખર્ચ અંગે કેવી જરૂરિયાત રહેશે? તે પણ સમજવામાં આવી રહ્યું છે અને વિભાગ દ્વારા આ અંગે આંકડાકીય વિવરણ ચીફ એકાઉન્ટન્ટ સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યો છે. તમામ વિભાગોની બેઠક પૂર્ણ થયા બાદ બજેટની આગામી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.