દેશભરમા 6 એપ્રિલના રોજ રામનવમીની ઉજવણી કરવામા આવશે. જેની માટે ભગવાન રામના જન્મ સ્થળ અયોધ્યામા રામ નવમીએ રામ જન્મોત્સવ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામા આવી છે. રામનવમીની ઉજવણીના પગલે અયોધ્યાને શણગારવામા આવી છે. રામનવમીના દિવસે શોભાયાત્રા સહિત અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ અયોધ્યામાં રામનવમીના દિવસે 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવે તેવી શકયતા છે. જેના પગલે વહીવટીતંત્ર અને પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે.
ભગવાન રામના જન્મ સાથે સંબંધિત ધાર્મિક વિધિઓની શ્રેણી શરૂ
રામનવમીની 6 એપ્રિલના રોજ ઉજવણી થવાની છે. જોકે, તે પૂર્વે રામ મંદિર સંકુલમાં 4 એપ્રિલથી ભગવાન રામના જન્મ સાથે સંબંધિત ધાર્મિક વિધિઓની શ્રેણી શરૂ થઈ ગઈ છે. અયોધ્યાના તમામ મંદિરોને પણ શણગારવામાં આવ્યા છે. રવિવારે શ્રદ્ધાળુઓ અયોધ્યામાં આવશે અને ભગવાન શ્રી રામની જન્મજયંતીમાં ભાગ લેશે. મહાકુંભ દરમિયાન દરરોજ 5 લાખથી વધુ ભક્તો અયોધ્યા આવતા હતા. જ્યારે 45 દિવસમાં લગભગ 1.75 કરોડ ભક્તોએ દર્શન કર્યા હતા.