વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ફરી વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે. આ વખતે તેઓ પોલેન્ડ અને યુક્રેનની મુલાકાતે જવાના છે. સૌથી પહેલા વડાપ્રધાન મોદી પોલેન્ડ જશે જ્યાં તે 21 અને 22 ઓગસ્ટ રોકાશે. ત્યારપછી તેઓ 23 ઓગસ્ટે યુક્રેનની મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી બીજા ભારતીય પીએમ હશે જે યુક્રેનની મુલાકાતે જઈ રહ્યા છે. તેમના પહેલા પૂર્વ પીએમ મોરારજી દેસાઈ યુક્રેન જઇ આવ્યા હતા.
યુદ્ધની સ્થિતિ વચ્ચે પીએમ મોદીની મુલાકાત
કિવ અને નવી દિલ્હી વચ્ચે રાજદ્વારી સંબંધો 30 વર્ષ પહેલા એટલે કે 1994માં સ્થાપિત થયા હતા. પીએમ મોદીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની સ્થિતિ વકરી છે.
યુક્રેન-રશિયા યુદ્ધને 3 વર્ષ પૂરાં થવાની નજીક
20 ફેબ્રુઆરીએ આ યુદ્ધના ત્રણ વર્ષ પૂર્ણ થશે. આ દરમિયાન યુક્રેને રશિયાના કુર્સ્કમાં હુમલો કરીને રશિયન રાષ્ટ્રપતિ પુતિનને ભારે નારાજ કર્યા છે. આ પહેલા પીએમ મોદી ગયા મહિને 8 જુલાઈએ રશિયા પહોંચ્યા હતા. તે સમયે રશિયાએ યુક્રેન પર ઝડપી હુમલા કર્યા હતા, જેમાં બાળકોની હોસ્પિટલને પણ નિશાન બનાવવામાં આવી હતી. તે દિવસે ઘણા બાળકો સહિત 39 લોકો મૃત્યુ પામ્યા હતા. ગુસ્સે ભરાયેલા ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે વિશ્વના સૌથી મોટા લોકતંત્રના નેતા માટે મોસ્કોમાં સૌથી મોટા ગુનેગારને ગળે લગાવવું અત્યંત નિરાશાજનક છે.