રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અંતે યુક્રેન સાથે યુદ્ધવિરામ કરવા તૈયારી દર્શાવી છે. તેમજ આ યુદ્ધવિરામ અને સંઘર્ષ ઉકેલવાના પ્રયાસોમાં મદદરૂપ થનારા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈસ ઈનસિયો લૂલા દી સિલ્વા સહિત વૈશ્વિક નેતાઓનો આભાર માન્યો હતો.
પુતિને બેલારૂસના રાષ્ટ્રપ્રતિ એલેક્ઝેન્ડર લુકાશેંકો સાથે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, રશિયા દુશ્મની ખતમ કરવાના પ્રસ્તાવો સાથે સહમત છે. પરંતુ તે આ વિચાર સાથે આગળ વધશે કે, આ સમાપ્તિ સાથે સ્થાયી શાંતિ જળવાશે અને સંકટના મૂળ કારણોનું સમાધાન આવશે.
ટ્રમ્પ-મોદી સહિત આ વિશ્વ નેતાઓને કહ્યું થેન્ક્યુ
પુતિને ગ્લોબલ લીડરના વખાણ કરતાં આગળ કહ્યું કે, યુક્રેન સાથે યુદ્ધ વિરામ કરાર પર ધ્યાન આપવા બદલ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનુ છું. આપણા બધા પાસે સ્થાનિક મુદ્દાઓ ઉકેલવા માટે સમય છે, પરંતુ ઘણા દેશના નેતાઓ આ મુદ્દા પર ધ્યાન આપી રહ્યા છે અને તેને સમય પણ આપી રહ્યા છે. જેમાં ચીનના રાષ્ટ્રપતિ, ભારતના વડાપ્રધાન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સામેલ છે. અમે આ સમય આપવા બદલ તે તમાન લોકોના આભારી છે. આ યુદ્ધ વિરામનો ઉદ્દેશ એક મોટું મિશન હાંસલ કરવાનો છે. જે શત્રુતા અને જાનમાલના નુકસાનનો અંત લાવવા માગે છે.