અમદાવાદ શહેરમાં ફૂડ સેફ્ટી અને સ્વચ્છતા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. માત્ર એક જ અઠવાડિયામાં શહેરની ચાર જાણીતી ફૂડ બ્રાન્ડ્સમાં ભોજનમાંથી જીવાતો, વાળ અને બિન-ગુણવત્તાયુક્ત ખોરાક મળ્યાની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે. જેના કારણે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.
તાજેતરમાં સિંધુભવન રોડ પર આવેલી પ્રખ્યાત મારુતિનંદન રેસ્ટોરન્ટમાં એક ગ્રાહકની થાળીમાંથી વાળ નીકળતાં ભારે હોબાળો મચ્યો હતો. ગ્રાહકના આક્ષેપ મુજબ સ્ટાફને જાણ કરવા છતાં મેનેજમેન્ટે ગંભીરતા દાખવી નહોતી. અન્ય ગ્રાહકોએ પણ અહીં પીરસાતું ભોજન વાસી અને નીચી ગુણવત્તાનું હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ ઘટનાને લઈને AMC દ્વારા માત્ર રૂ.10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે, જેને લઈને નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. કરોડોના ટર્નઓવર ધરાવતા આઉટલેટ્સ માટે આટલો નાનો દંડ પૂરતો નથી તેવી ટીકા થઈ રહી છે.
છેલ્લા એક અઠવાડિયામાં બનેલી અન્ય ઘટનાઓ પણ ચિંતાજનક છે. નિકોલમાં લા મિલાનો પિઝેરિયામાં ઓનલાઈન ઓર્ડરમાં જીવાત મળી, બોડકદેવના મોકા કાફેમાં કોફી અને ફૂડમાંથી જીવજંતુ મળ્યા જ્યારે IIM રોડ પર છાશવાલાના મિલ્કશેકમાં જીવાત મળી આવી હતી. આ તમામ મામલાઓમાં AMC દ્વારા રૂ.10,000થી રૂ.25,000 સુધીના દંડ અથવા સીલિંગ જેવી કાર્યવાહી કરવામાં આવી છે.
આ બનાવો બાદ સૌથી મોટો સવાલ એ છે કે શું ફૂડ વિભાગ માત્ર ફરિયાદો અને સોશિયલ મીડિયા વાયરલ થયા બાદ જ સક્રિય થાય છે? શહેરવાસીઓ હવે કડક ચેકિંગ, નિયમિત કિચન ઓડિટ અને ભારે દંડની માગ કરી રહ્યા છે. એર કન્ડિશન્ડ ડાઇનિંગ હોલની પાછળ આવેલા રસોડામાં સ્વચ્છતાના ધોરણોનું પાલન થાય છે કે નહીં તે અંગે વધુ કડક દેખરેખની જરૂરિયાત જણાઈ રહી છે.
નાગરિકોનું કહેવું છે કે જો સમયસર કડક પગલાં નહીં લેવાય તો જન આરોગ્ય માટે મોટી જોખમી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel