વડોદરામાં આમ આદમી પાર્ટી (AAP)ના શહેર પ્રમુખ અશોક ઓઝા સામે એક મહિલાએ દુષ્કર્મ, બ્લેકમેઇલિંગ અને શારીરિક શોષણના ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ કેસ સામે આવતા રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.
ફરિયાદ અનુસાર, આરોપી અશોક ઓઝાએ મહિલાના પતિને નોકરી અપાવવાની લાલચ આપી મહિલાને પોતાના ઘરે બોલાવી હતી, જ્યાં દારૂ પીવડાવી તેની ઇચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. ઉપરાંત મહિલાની જાણ બહાર અશ્લીલ વીડિયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપી લાંબા સમય સુધી બ્લેકમેઇલ કરવામાં આવી હતી.
પીડિતાએ આક્ષેપ કર્યો છે કે વર્ષ 2024થી માર્ચ 2026 દરમિયાન આરોપીએ અનેક વખત અલગ-અલગ સ્થળોએ લઈ જઈ બળજબરીપૂર્વક શારીરિક શોષણ કર્યું. હરણી સ્થિત હોટલ, આજવા રોડ વિસ્તાર અને અન્ય સ્થળોએ આ ઘટનાઓ બની હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે. મહિલાના કહેવા મુજબ આરોપી તેને વૈષ્ણોદેવી અને મુંબઈ જેવી જગ્યાઓ પર પણ લઈ ગયો હતો.
આ કેસમાં ચોંકાવનારી બાબત એ છે કે આરોપીના પુત્ર આનંદ ઓઝા પર પણ પીડિતાએ દુષ્કર્મનો આરોપ મૂક્યો છે. ઉપરાંત અશોક ઓઝાની પત્ની મોતીબેન અને પુત્રી ખુશી સામે પણ ધમકી અને હેરાનગતિના આરોપો સાથે ફરિયાદ નોંધાઈ છે.
પોલીસે આ મામલે અશોક ઓઝાની ધરપકડ કરી છે, જ્યારે તેના પરિવારજનોની શોધખોળ ચાલુ છે. કપુરાઈ પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ, અશોક ઓઝાએ મહિલાના આક્ષેપોને નકારી કાઢ્યા છે અને પોલીસ કમિશનર સમક્ષ અરજી આપી છે. તેમના જણાવ્યા મુજબ, તેમણે માનવતાના ધોરણે મહિલાને રહેવા માટે મકાન આપ્યું હતું, પરંતુ હવે મહિલા મકાન ખાલી કરવા બદલ 20 લાખ રૂપિયાની ખંડણી માંગે છે અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપે છે.
આ મામલો હવે બંને પક્ષોના આક્ષેપો વચ્ચે ગંભીર કાનૂની લડાઈનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. પોલીસે જણાવ્યું છે કે તમામ પાસાઓની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel