સંસદના શિયાળુ સત્રના આઠમા દિવસે રાજ્યસભામાં રિપેલિંગ એન્ડ એમેન્ડિંગ બિલ, ૨૦૨૩ પસાર કરવામાં આવ્યું હતું.આ બિલ ૭૬ જૂના અને અપ્રચલિત કાયદાઓને નિરસ્ત કરવા માટે પસાર કરવામાં આવ્યું છે.
આ દરમિયાન સરકારે જણાવ્યું છે કે આ પગલું ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ બિઝનેસમાં સુધારનો નિરંતર પ્રયાસોનો ભાગ છે. રાજ્યસભામાં નિરસન અને સંશોધન બિલ, ૨૦૨૩ ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યું હતું. લોકસભામાં આ બિલ ૨૭ જુલાઇએ પસાર થઇ ગયું હતું.
ઉલ્લેખનીય છે કે સરકારે ગયા વર્ષે ડિસેમ્બરમાં ૬૫ જૂના કાયદાઓને સમાપ્ત કરવા માટે નિરસન અને સંશોધન બિલ રજૂ કર્યુ હતું. જો કે આ બિલ ચર્ચામાં આવી શક્યુ ન હતું. ત્યારબાદ સરકારે આ બિલમાં અન્ય ૧૧ કાયદા ઉમેરવા માટે સંશોધન રજૂ કર્યુ હતું. જેના કારણે કુલ ૭૬ કાયદા થઇ ગયા હતાં.
બિલની ચર્ચા દરમિયાન કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે ૨૦૧૪માં સત્તા આવ્યા પછી મોદી સરકારે જીવનને સરળ બનાવવા માટે ૧૪૮૬ નિષ્ક્રિય કાયદાઓને નિરસ્ત કર્યા છે. વધુ ૭૬ કાયદા નિરસ્ત કરવામાં આવતા આ યાદીમાં સામેલ કુલ કેસોની સંખ્યા ૧૫૬૨ થઇ ગઇ છે. બજેટમાં જાહેર કરવામાં આવેલા કસ્ટમ અને એકસાઇઝ ડયુટીમાં પરિવર્તનોને તાત્કાલિક અમલમાં મૂકવા માટે નાણાપ્રધાન નિર્મલા સિતારમને આજે લોકસભામાં પ્રોવિઝનલ કલેકશન ઓફ ટેક્સિસ બિલ, ૨૦૨૩ રજૂ કર્યુ હતું. આ બિલ પ્રોવિઝનલ કલેક્શન ઓફ ટેક્સિસ એક્ટ, ૧૯૩૧નું સ્થાન લેશે.
આ ઉપરાંત કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સિતારમને આજે લોકસભામાં જીએસટી એપેલેટ ટ્રિબ્યુનલના પ્રમુખ અને સભ્યોની વયમર્યાદા વધારવા માટે જીએસટી બિલ રજૂ કર્યુ હતું. આજે રજૂ કરવામાં આવેલા સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બિલ, ૨૦૨૩ની જોગવાઇ મુજબ પ્રમુખની વયમર્યદા વધારી ૭૦ વર્ષ અને સભ્યોની વયમર્યાદા વધારી ૬૭ વર્ષ કરવામાં આવી છે. જો કે પ્રમુખ અને સભ્યો મહત્તમ ચાર વર્ષ માટે પદ પર રહી શકશે. હાલમાં આ વયમર્યાદા અનુક્રમે ૬૭ અને ૬૫ વર્ષ હતી.