અયોધ્યા ખાતે રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ નડિયાદ સહિત જિલ્લા વાસીઓ પ્રભાત ફેરીના ઘંટ નાદથી ઉત્સવનો પ્રારંભ કર્યો હતો, નડિયાદ સ્થિત સંતરામ મંદિર, સંતરામ દેરી, રામજી મંદિરમાં ધાર્મિક અને લોકહિતના કાર્યક્રમો યોજાયા હતા. નડિયાદ શહેરના રામજી મંદિરમાં ૧૨ વાગે શંખનાદ સાથે મહાઆરતી કરાઈ હતી. જેમાં કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચોહાણ અને નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ મહા આરતીમાં હાજર રહ્યા હતા. ત્યારબાદ ૧૪ કારસેવકોનું કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચોહાણ અને નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સન્માન કર્યું હતું. ત્યારબાદ શહેરના સંતરામ સર્કલ પાસે આવેલ રામજી મંદિર પાસેથી મોટી સંખ્યામાં રામ ભક્તો દ્વારા શોભાયાત્રા નીકળી હતી. જેમાં સ્કેટીંગ કરતા લોકો જોડાયા હતા. અને સ્કેટીંગ કરતા શોભાયાત્રા નગરના માર્ગો પર ફરી હતી. નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પણ ચોગાનની અંદર ૫૧૧ ફુટની વિશાળ ૩ડી રંગોળી રચવામાં આવી છે. જેમાં અંદાજીત ૫ મણથી વધુ કલરનો ઉપયોગ કરાયો છે.
આ ઉપરાંત ૨૦ જુદાજુદા કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને આવકારવામાં આવ્યો છે. રામ ભક્તોએ ઘર આંગણે રંગોળી કરી પ્રભુ શ્રીરામને આવકાર્યા છે. યાત્રાધામ ડાકોરમાં રામ ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો છે. રાજાધિરાજ રણછોડરાયે ભક્તોને રામ સ્વરૂપના દર્શન આપ્યા છે. સમગ્ર મંદિરને કેસરી ધજા તેમજ આશોપાલવના તોરણોથી સજાવાયુ છે. તો આજે રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને વેપારીઓમાં પણ આનંદ છવાયો છે. અને બજારોમાં વિવિધ પ્રકારની એક દિવસ માટે ખાસ ઓફરો મૂકી પોતાના ધંધા રોજગારની સાથે રામભક્તિ દર્શાવી છે. સરકારે પણ અડધી રજા જાહેર કરી હોવાથી જિલ્લા વાસીઓ પોતાના ઘરે લાઈવ અયોધ્યા ખાતેની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિહાળી હતી.