મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને આયતુલ્લા અલી ખામેનેઈના મોતના અહેવાલોને પગલે ભારતમાં પણ સાવચેતી વધારી દેવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે દેશભરના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે એડવાઇઝરી જાહેર કરી છે.
ગૃહ મંત્રાલયે રાજ્યોને લખેલા પત્રમાં જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય ઘટનાઓની અસર ભારતના વિવિધ વિસ્તારોમાં પડી શકે છે. તેથી ઈરાનના સમર્થન કે વિરોધમાં થઈ રહેલા પ્રદર્શનોને લઈને વિશેષ તકેદારી રાખવાની જરૂર છે.
કાયદો અને વ્યવસ્થા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા
મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે દેશભરમાં શાંતિ જાળવી રાખવી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પત્રમાં ચેતવણી આપવામાં આવી છે કે કેટલાક અસામાજિક તત્ત્વો પ્રદર્શનોની આડમાં વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી શકે છે.
આ માટે સ્થાનિક વહીવટી તંત્ર અને ગુપ્તચર એજન્સીઓને સતર્ક રહેવા અને સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ તૈનાત કરવાની સૂચના આપવામાં આવી છે. સાથે સાથે સોશિયલ મીડિયા પર ફેલાતી ભડકાઉ પોસ્ટ અને અફવાઓ પર પણ કડક નજર રાખવા આદેશ આપવામાં આવ્યા છે.
શ્રીનગરમાં વિરોધ પ્રદર્શન
ખામેનેઈના મોતના અહેવાલ બાદ ભારતના કેટલાક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને શ્રીનગરમાં અનેક વિસ્તારોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સાવચેતીના ભાગરૂપે જમ્મુ અને કાશ્મીરમાં કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઈન્ટરનેટ સેવાઓ તાત્કાલિક સ્થગિત કરવામાં આવી છે અને શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
રિપોર્ટ મુજબ કેટલાક પ્રદર્શનો દરમિયાન અમેરિકા અને ઇઝરાયેલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.
કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે હિંસા ફેલાવનારા અથવા જાહેર મિલકતોને નુકસાન પહોંચાડનારા તત્ત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સરકારનું કહેવું છે કે દેશમાં શાંતિ અને કોમી સૌહાર્દ જાળવી રાખવું હાલમાં સૌથી મહત્વપૂર્ણ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel