સુરતના વરાછા વિસ્તારમાં દહેજના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. રીતુબેન નામની પરિણીતાએ સાસરિયાઓ દ્વારા થતા માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
આ મામલે વરાછા પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધીને બે આરોપીઓની ધરપકડ કરી છે.
આપઘાત કેસમાં પતિ સહિત બેની ધરપકડ
મૃતક રીતુબેનના લગ્ન લક્ષ્મીનારાયણ કુશવાહ સાથે થયા હતા. લગ્ન સમયે રીતુબેનના પરિવારજનોએ પોતાની ક્ષમતા મુજબ સોનું, રોકડ રકમ અને મોટરસાયકલ ભેટરૂપે આપી હતી. તેમ છતાં સાસરિયાઓ દહેજથી સંતોષ્યા નહોતા.
આક્ષેપ મુજબ પતિ, સાસુ-સસરા, જેઠ અને નણંદ દ્વારા રીતુબેનને વારંવાર મેણા-ટોણા મારી પિયરમાંથી વધુ ₹2 લાખ લાવવા માટે દબાણ કરવામાં આવતું હતું.
સાડી વડે ફાંસો ખાઈ આત્મહત્યા
સાસરિયાઓના સતત ત્રાસ અને દહેજની માંગણીથી કંટાળીને રીતુબેને પોતાના ઘરે પંખા સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાના પગલે પરિવારજનોએ સાસરિયાઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસની કાર્યવાહી
વરાછા પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસએ પતિ સહિત બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને અન્ય સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે તપાસ આગળ ધપાવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel