સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કરીને અલાસ્કામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થયેલી તેમની મુલાકાત વિશે વિગતવાર માહિતી આપી. પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ અને એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે તેમણે પુતિન સાથેની વાતચીતમાં યુક્રેન યુદ્ધને લઈને શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારતની સતત હાકલ પુનરાવર્તિત કરી. મોદીએ લખ્યું કે, “મારા મિત્ર રાષ્ટ્રપતિ પુતિનનો તેમના ફોન કોલ માટે અને અલાસ્કામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની તાજેતરની મુલાકાત વિશે માહિતી આપવા બદલ હું આભારી છું. ભારતે હંમેશા યુક્રેન વિવાદના શાંતિપૂર્ણ ઉકેલ માટે પ્રયત્નોનું સમર્થન કર્યું છે અને આગળ પણ કરતું રહેશે. હું આવનારા દિવસોમાં અમારા સતત આદાનપ્રદાનની રાહ જોઈ રહ્યો છું.”
Thank my friend, President Putin, for his phone call and for sharing insights on his recent meeting with President Trump in Alaska. India has consistently called for a peaceful resolution of the Ukraine conflict and supports all efforts in this regard. I look forward to our…
— Narendra Modi (@narendramodi) August 18, 2025
આ વાતચીત એ સમયે થઈ છે જ્યારે 15 ઓગસ્ટના રોજ અલાસ્કામાં પુતિન-ટ્રમ્પ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યત્વે યુક્રેન યુદ્ધમાં સંભવિત યુદ્ધવિરામ પર ચર્ચા થઈ હતી, પરંતુ અંતે કોઈ નિષ્કર્ષ પર પહોંચવામાં સફળતા મળી નહોતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે તાજેતરમાં જ રશિયા પાસેથી ભારતે તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું હોવા પર કડક વલણ દાખવ્યું હતું અને ભારત પર વધારાના 50 ટકા ટેરિફ લાદ્યા હતા. આ પગલાંને ભારતે અત્યંત અન્યાયી અને એકતરફી ગણાવીને વિરોધ નોંધાવ્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે પણ સ્પષ્ટ કર્યું હતું કે ભારત પોતાના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે દરેક શક્ય પગલું ભરશે. પુતિન અને મોદીની વાતચીત પરથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે રશિયા આ મુદ્દે ખુલ્લેઆમ ભારતના પક્ષમાં ઉભું છે અને બંને દેશો આર્થિક તથા રાજકીય દબાણ સામે પરસ્પર સહયોગ વધારવા તૈયાર છે.
ટ્રમ્પ પ્રશાસનના અધિકારીઓએ સંકેત આપ્યો છે કે જો પુતિન-ટ્રમ્પ ચર્ચાઓથી કોઈ સ્પષ્ટ પરિણામ નહીં આવે તો ભારતને વધારે ટેરિફનો સામનો કરવો પડી શકે છે. અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસન્ટે ચેતવણી આપી છે કે રશિયા સાથે ભારતના ઊર્જા વેપારને કારણે અમેરિકા નવા આર્થિક દબાણ લાદી શકે છે. આથી સ્પષ્ટ છે કે અલાસ્કાની બેઠકનો અનિર્ણિત અંત ભારત માટે વેપાર સંઘર્ષને વધારે લાંબો કરી શકે છે.
બીજી તરફ, ટ્રમ્પે તાજેતરમાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, જો જરૂરી થશે તો તેઓ ભારત પર વધારે ટેરિફ લાદવામાં હચકાવશે નહીં, પરંતુ સાથે જ આ આશા પણ વ્યક્ત કરી કે કદાચ તેને એવી કઠોર કાર્યવાહી કરવાની જરૂર નહીં પડે. આ પરિસ્થિતિમાં ભારત માટે આવનારા અઠવાડિયામાં આર્થિક અને રાજકીય મોરચે સંતુલિત નીતિ અપનાવવી ખૂબ જ જરૂરી બનશે, જેથી અમેરિકા સાથેના વેપાર સંબંધો જાળવી રાખતાં રશિયા સાથે ઊર્જા ક્ષેત્રમાં સહયોગ પણ યથાવત રહે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel