ઉત્તરાખંડમાં CM પુષ્કરસિંઘ ધામીના નેતૃત્વ હેઠળની સરકારે તાજેતરમાં ઉત્તરાખંડ લઘુમતી શૈક્ષણિક સંસ્થા બિલ, 2025 રજૂ કરવાની મંજૂરી આપી છે. જે 19 ઑગસ્ટ, 2025થી શરૂ થનારા વિધાનસભા સત્રમાં રજૂ થવાની સંભાવના છે. આ બિલને રાજ્યની શૈક્ષણિક વ્યવસ્થામાં એક પ્રગતિશીલ અને સમાવેશી પગલાં તરીકે જોવામાં આવે છે, જે લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓના લાભોને માત્ર મુસ્લિમ સમુદાય સુધી મર્યાદિત ન રાખતાં, અન્ય લઘુમતી સમુદાયો જેવા કે શીખ, જૈન, ખ્રિસ્તી, બૌદ્ધ અને પારસી સમુદાયો સુધી વિસ્તારવાનો હેતુ ધરાવે છે.
આ બિલ હેઠળ ઉત્તરાખંડમાં ‘ઉત્તરાખંડ રાજ્ય લઘુમતી શિક્ષણ પ્રાધિકરણ’ની રચના કરવામાં આવશે, જે લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓને માન્યતા આપવાની અને તેનું નિરીક્ષણ કરવાની જવાબદારી નિભાવશે. આ પ્રાધિકરણ શૈક્ષણિક ગુણવત્તા અને પારદર્શિતા સુનિશ્ચિત કરશે. અગાઉ ફક્ત મુસ્લિમ સમુદાયની શૈક્ષણિક સંસ્થાઓને જ લઘુમતી દરજ્જો મળતો હતો. આ બિલ આ લાભોને શીખ, જૈન, ખ્રિસ્તી, બૌદ્ધ અને પારસી સમુદાયોની સંસ્થાઓ સુધી વિસ્તારશે. આ ઉપરાંત, 1 જુલાઈ, 2026થી ગુરુમુખી અને પાલી ભાષાઓના અભ્યાસને પણ માન્યતા આપવામાં આવશે, જે શીખ અને બૌદ્ધ સમુદાયો માટે મહત્વપૂર્ણ છે.
લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓની નોંધણી ફરજિયાત
લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓએ સોસાયટી એક્ટ, ટ્રસ્ટ એક્ટ અથવા કંપની એક્ટ હેઠળ નોંધણી કરાવવી પડશે. સંસ્થાની જમીન, બેંક ખાતાં અને અન્ય સંપત્તિ સંસ્થાના નામે હોવી જરૂરી છે. નાણાકીય ગેરરીતિ, પારદર્શિતાનો અભાવ અથવા ધાર્મિક અને સામાજિક સૌહાર્દ વિરુદ્ધની પ્રવૃત્તિઓના કિસ્સામાં માન્યતા રદ થઈ શકે છે. આ બિલ ઉત્તરાખંડ શાળા શિક્ષણ બોર્ડના ધોરણો અનુસાર શિક્ષણની ગુણવત્તા સુનિશ્ચિત કરશે અને વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન પારદર્શી અને ન્યાયી રીતે થાય તેની ખાતરી કરશે.
આ બિલ ઉત્તરાખંડ મદરેસા શિક્ષણ બોર્ડ અધિનિયમ, 2016 અને ઉત્તરાખંડ બિનસરકારી અરબી અને ફારસી મદરેસા માન્યતા નિયમ, 2019ને 1 જુલાઈ, 2026થી રદ કરશે. આનાથી રાજ્યમાં તમામ લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ એક જ પ્રાધિકરણ હેઠળ આવશે, જે પારદર્શિતા અને એકરૂપતા વધારશે.
બિલની આવશ્યકતા
આ બિલ ઉત્તરાખંડને દેશનું પ્રથમ રાજ્ય બનાવે છે જે લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓની માન્યતા માટે પારદર્શી અને સમાવેશી પ્રક્રિયા સ્થાપિત કરે છે. અગાઉ માત્ર મુસ્લિમ સંસ્થાઓને લઘુમતી દરજ્જો મળતો હતો, પરંતુ આ બિલ શીખ, જૈન, ખ્રિસ્તી, બૌદ્ધ અને પારસી સમુદાયોને પણ સમાન તકો પૂરી પાડશે.
આ બિલ શૈક્ષણિક સંસ્થાઓમાં નાણાકીય ગેરરીતિઓ અને પારદર્શિતાના અભાવને રોકવા માટે કડક નિયમો લાગુ કરે છે. રાજ્ય સરકારે તાજેતરમાં 237 ગેરકાયદેસર મદરેસાઓ સામે કાર્યવાહી કરી હતી, જે દર્શાવે છે કે નિયમનની જરૂરિયાત છે. આ બિલ એ સુનિશ્ચિત કરશે કે તમામ સંસ્થાઓ નિયમોનું પાલન કરે અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડે.
નોંધનીય છે કે, મુસ્લિમ સમુદાયના કેટલાક નેતાઓ દાવો કરે છે કે આ બિલ બંધારણની કલમ 26 અને 30 હેઠળના તેમના અધિકારોનું હનન કરે છે. જોકે, વાસ્તવમાં આ બિલ લઘુમતી સંસ્થાઓના સ્થાપન અથવા સંચાલનમાં હસ્તક્ષેપ કરતું નથી, પરંતુ ફક્ત નિયમન અને ગુણવત્તાને સુનિશ્ચિત કરે છે. ઉત્તરાખંડ વક્ફ બોર્ડના અધ્યક્ષ શાદાબ શમ્સે પણ આ બિલને ટેકો આપ્યો છે અને તેને ‘અત્યંત સકારાત્મક પગલું’ ગણાવ્યું છે, જે તમામ લઘુમતી સમુદાયોના બાળકોના શિક્ષણ અને વિકાસ માટે લાભદાયી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel