અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રતિષ્ઠા થઈ રહી છે એ ભારતવર્ષના પાંચસો વર્ષની તપોમયી ધૈર્યભરી પ્રતીક્ષાનું ફળ છે. આજે સ્વામિનારાયણ સંપ્રદાયના ૨૧ સંતોની પ્રથમ ટુકડી સાથે અયોધ્યા પહોંચી હતી. સ્વામિનારાયણ મંદિર વડતાલના કોઠારી સંત સ્વામીએ જણાવ્યું હતું કે, આ આપણા પૂર્વજોનું પુણ્ય છે. આજની પેઢી છેલ્લા પાંચસો વર્ષના પૂર્વજોની ઋણી છે. અને હા, આપણો ઈતિહાસ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ શતાબ્દીઓ સુધી ભુલી નહિ શકે. એમનું વ્યક્તિગત જીવન પણ રામજન્મભૂમિ પર મંદિર નિર્માણથી ગૌરવાન્વિત બન્યું છે.
આજે વિશ્વએ એ વાત સ્વીકારવી પડશે કે, હિન્દુસ્તાનની જનતા કેટલી ધીરજ રાખી શકે છે. અરે! આજે તો બહુધા સંબંધો કાચ જેવા થતા જાય છે. વિદ્યા – વ્યવહાર કે સંબંધમાં તિતિક્ષા કે ધીરજ દેખાતી જ નથી. આજ દુનિયાએ એ વાત પણ વિચારવી જોઈએ કે , શું કોઈ માનવ આટલી પેઢીઓ સુધી , એક જ લક્ષ્ય લઈને ચાલી શકે ? પાંચ દશ વર્ષમાં તો ઘણું ઘણું બદલી જાય છે. આ તો પેઢીઓ બદલી ગઈ પણ રામ મંદિરની ઝંખના સરયુના પ્રવાહની જેમ સાતત્યપૂર્ણ રહી. કદાચ આવા અશ્રુતપૂર્વ ધૈર્યના પુણ્ય પ્રતાપે જ ભારત વિશ્વગુરૂ બનશે.