નડિયાદ શહેરમાં નાગરિકોને સરકારી સેવાઓ સરળતાથી અને એક જ સ્થળે ઉપલબ્ધ થાય તે હેતુસર નડિયાદ મહાનગરપાલિકા પૂર્વ ઝોન દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી વિભાગો દ્વારા પોતાના સ્ટોલ મૂકીને નાગરિકોને જરૂરી સેવાઓ અને માર્ગદર્શન પૂરી પાડવામાં આવ્યું હતું, જેના કારણે મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન નાગરિકો માટે અનેક ઉપયોગી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ખાસ કરીને ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા અગ્નિશામક સાધનો તથા આધુનિક ઉપકરણોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે સાથે આગ લાગવાની પરિસ્થિતિમાં કેવી રીતે સુરક્ષા જાળવવી અને અગ્નિશામક સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે નાગરિકોને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલ આ જીવંત નિદર્શન કાર્યક્રમની વિશેષ આકર્ષણ બની રહ્યું હતું.
આ ઉપરાંત હેલ્થ વિભાગ દ્વારા કાન, નાક, ગળા સહિતના વિવિધ ક્ષેત્રના નિષ્ણાત ડોક્ટર્સ દ્વારા OPD સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આરોગ્ય સંબંધિત તપાસ અને માર્ગદર્શન માટે નાગરિકોએ ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો અને આરોગ્ય સેવાઓને પણ સારો પ્રતિસાદ મળ્યો હતો.
આ સેવા સેતુ કાર્યક્રમને નડિયાદ ધારાસભ્ય પંકજકુમાર દેસાઇએ વિધિવત ખુલ્લો મુક્યો હતો. તેમણે ઉપસ્થિત નાગરિકોને સંબોધતા સેવા સેતુ જેવા કાર્યક્રમો દ્વારા સરકારની સેવાઓ લોકો સુધી સરળતાથી પહોંચે છે તેવો ઉલ્લેખ કર્યો હતો અને નાગરિકોને આ પ્રકારની સેવાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. સાથે સાથે તેમણે શહેરની સ્વચ્છતા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતા પ્રયાસોમાં નાગરિકો સહભાગી બને તેવી અપીલ પણ કરી હતી.
આ કાર્યક્રમમાં નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર જી.એચ.સોલંકી, નાયબ મ્યુનિસિપલ કમિશનરો, મામલતદાર નડિયાદ (શહેર) તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel