અમદાવાદના ખોખરા વિસ્તારમાં બનેલી ચોંકાવનારી ઘટનામાં 14 વર્ષના સગીર સાથે 16 વર્ષ અને 6 મહિનાની ઉંમરના કિશોરે બળજબરીપૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. બનાવ બાદ આરોપી કિશોરે આ ગુનાહિત ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો અને તેને વાયરલ કરવાની ધમકી આપી પીડિત પાસેથી રૂપિયા પડાવ્યા હતા. બાદમાં આ બનાવની જાણ થતાં ખોખરા પોલીસે 13 જાન્યુઆરી 2024ના રોજ આરોપી સામે પોક્સો, આઇટી એકટ, ખંડણી, ધમકી તથા સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ કેસ જુવેનાઇલ જસ્ટિસ એકટ હેઠળની સ્પેશ્યલ કોર્ટ સમક્ષ ચાલ્યો હતો, જ્યાં લાંબી કાર્યવાહી બાદ ચુકાદો આવ્યો છે.
કેસના ટ્રાયલ દરમ્યાન સરકાર પક્ષના અધિક સરકારી વકીલ જી.પી. દવેએ 12 સાક્ષીઓ અને 30 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરતાં કોર્ટને સમજાવ્યું કે આરોપી કિશોરે અત્યંત ગંભીર ગુનાહિત કૃત્ય આચર્યું છે, જે માત્ર પીડિત બાળકની જિંદગી પર નહીં પરંતુ સમાજના માળખા પર પણ નકારાત્મક અસર પાડે છે. કિશોરે પીડિત પર માત્ર શારીરિક અત્યાચાર જ કર્યો નહીં, પરંતુ ધમકી આપી રૂપિયા પડાવ્યા અને બીજા દસ હજાર રૂપિયાની માગણી કરી હતી. આ ઘટનાએ પીડિતની માનસિક સ્થિતિ પર ખૂબ જ ઘેરા ઘા કર્યા છે.
કોર્ટએ સરકાર પક્ષની દલીલોને માન્ય રાખીને આરોપી કિશોરને દોષિત ઠરાવ્યો અને 20 વર્ષની કેદસજા ફટકારી. આ ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર છે કે જુવેનાઇલ જસ્ટિસ કોર્ટ દ્વારા કોઈ કિશોરને 20 વર્ષની દાખલારૂપ સજા આપવામાં આવી છે. કોર્ટે દોષિત પર રૂ. 5,000નો દંડ પણ ફટકાર્યો હતો. સાથે જ પીડિત કિશોરને ધી ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન એકટ, 2019 હેઠળ રૂ. 4 લાખનું વળતર ચૂકવવાનો આદેશ પણ આપ્યો હતો.
ચુકાદા દરમ્યાન કોર્ટએ સ્પષ્ટ કર્યું કે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરના ગુનાહિત કૃત્યને અવગણવું શક્ય નથી, કારણ કે આવા કૃત્યો સમાજમાં ખોટા સંદેશો પહોંચાડે છે. કોર્ટે દોષિત કિશોરને ઓર્બ્ઝર્વેશન હોમમાં રાખવાનો આદેશ આપ્યો છે, જ્યાં તે 21 વર્ષનો થાય ત્યાં સુધી રહેશે. 21 વર્ષની ઉંમરે પહોંચ્યા બાદ તેને જેલમાં તબદિલ કરવામાં આવશે. આ દરમ્યાન પ્રોબેશન ઓફિસર, ડિસ્ટ્રીક્ટ ચાઇલ્ડ પ્રોટેકશન યુનિટ અને સામાજિક કાર્યકર દ્વારા દર વર્ષે કોર્ટ સમક્ષ અહેવાલ રજૂ કરાશે અને તેની પુનઃસ્થાપન યોજનાઓ અંગેની વિગતો આપવામાં આવશે.
દોષિત કિશોરના બચાવ પક્ષે દલીલ કરી હતી કે તે ધોરણ-12 પાસ છે, એક વર્ષથી વધુ સમયથી ઓર્બ્ઝર્વેશન હોમમાં છે અને ત્યાં શિક્ષણ, રમત-ગમત અને અન્ય પ્રવૃત્તિઓમાં જોડાયેલ છે. તેમણે તેની ઉમર અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને રાહત આપવા વિનંતી કરી હતી. પરંતુ કોર્ટે જણાવ્યું કે પીડિત કિશોરની માનસિક સ્થિતિ અને તેની જિંદગી પર પડેલા પ્રભાવને અવગણીને કોઈ રાહત આપી શકાય નહીં. કોર્ટએ સાફ કહ્યું કે આ ગુનાહિત કૃત્ય સમાજ માટે એક ગંભીર ખતરો છે અને તેને કડક સજાથી જ દંડિત કરવું જરૂરી છે, જેથી આવા બનાવો ફરી ન બને.
આ ચુકાદો માત્ર એક કિશોર વિરુદ્ધની કાર્યવાહી નથી, પરંતુ સમગ્ર સમાજ માટે એક મજબૂત સંદેશ છે કે કાયદા હેઠળ નાબાલિક હોવા છતાં પણ ગંભીર અને બિભત્સ ગુનાઓ માટે કડક સજા થશે. આ ચુકાદો ગુજરાતના કાનૂની ઇતિહાસમાં એક ઐતિહાસિક ઘટના તરીકે નોંધાયો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel