સરકારી વહીવટી પ્રક્રિયામાં ઊભી થયેલી અડચણને કારણે ગઢડાના એક સામાન્ય પરિવારના તેજસ્વી યુવાનનું વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવાનો સપનો અટવાઈ ગયો છે. નેશનલ હાઈવે પ્રોજેક્ટ સંદર્ભે જમીન અને મિલકત સંબંધિત વિવિધ પ્રક્રિયાઓ પર મૂકાયેલા નિયંત્રણોની અસર હવે એવા કિસ્સાઓ પર પણ પડી રહી હોવાનો આક્ષેપ છે, જે સીધી રીતે હાઈવેના સર્વે વિસ્તારમાં આવતા નથી.
ગઢડાના એક યુવાને ન્યૂઝીલેન્ડમાં એક વર્ષના સાયબર સિક્યુરિટી અભ્યાસક્રમ માટે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી છે. અભ્યાસની ફી અને અન્ય ખર્ચ માટે આશરે રૂ. 20 લાખની જરૂરિયાત હોવાથી તેણે બેંક લોન માટે અરજી કરી હતી. લોનની જામીનગીરી તરીકે પોતાના હિસ્સાનું એકમાત્ર રહેણાંક મકાન મોર્ગેજ રાખવાની પ્રક્રિયા પણ પૂર્ણતાની નજીક હતી.
પરંતુ નેશનલ હાઈવે પ્રોજેક્ટ અને જમીન સંપાદન સર્વેના સંદર્ભમાં બોટાદ, બરવાળા, રાણપુર, ગઢડા અને ઢસા સહિતના વિસ્તારોમાં જમીન-મિલકતના વેચાણ, બિનખેતી પ્રક્રિયા, નામ ટ્રાન્સફર સહિતની કાર્યવાહી પર નિયંત્રણ મૂકવામાં આવ્યા બાદ મોર્ગેજની પ્રક્રિયા પણ અટકી ગઈ હોવાનું સામે આવ્યું છે.
હાઈવે સર્વે વિસ્તારમાં મિલકત ન હોવા છતાં મોર્ગેજ અટકી
પરિવારનો દાવો છે કે વિદ્યાર્થીની જે મિલકત બેંકમાં મોર્ગેજ થવાની છે તે સંભવિત નેશનલ હાઈવેને લાગુ પડતા સર્વે નંબર વિસ્તારમાં આવતી નથી. તેમ છતાં, સંબંધિત કચેરીઓ દ્વારા મોર્ગેજની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી નથી.
મોર્ગેજની પ્રક્રિયામાં મિલકતના માલિકનું નામ બદલાતું નથી અને સામાન્ય રીતે માલિકીની હસ્તાંતરણ પ્રક્રિયા પણ થતી નથી. તેમ છતાં તમામ પ્રકારની મિલકત સંબંધિત કામગીરી બંધ હોવાનો એકસરખો અભિગમ અપનાવવામાં આવતા વિદ્યાર્થીની બેંક લોન અટવાઈ ગઈ હોવાનું પરિવારનું કહેવું છે.
20 સપ્ટેમ્બર સુધી ફી નહીં ભરાય તો પ્રવેશ પર સંકટ
વિદ્યાર્થીએ વિદેશ અભ્યાસ માટેની તમામ શૈક્ષણિક પ્રક્રિયા પૂર્ણ કરી હોવા છતાં લોન મંજૂર ન થવાને કારણે હવે સમયમર્યાદાનું સંકટ ઊભું થયું છે. પરિવારના જણાવ્યા મુજબ ન્યૂઝીલેન્ડની શૈક્ષણિક સંસ્થામાં 20 સપ્ટેમ્બર સુધીમાં જરૂરી ફી સંબંધિત પ્રક્રિયા પૂર્ણ કરવી અનિવાર્ય છે.
જો આ સમયમર્યાદામાં લોનની પ્રક્રિયા પૂર્ણ ન થાય તો વિદ્યાર્થીનું વિદેશ અભ્યાસનું સપનું અધૂરું રહી શકે છે અને અત્યાર સુધી કરેલી મહેનત તથા આર્થિક આયોજન પર પાણી ફરી શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે.
વિવિધ કક્ષાએ રજૂઆત છતાં ઉકેલ નહીં
આ મામલે નીચલી કક્ષાથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆતો કરવામાં આવી હોવાનો પરિવારનો દાવો છે. તેમ છતાં અત્યાર સુધી કોઈ વ્યવહારુ ઉકેલ મળ્યો નથી.
પરિવારનું કહેવું છે કે જો નેશનલ હાઈવે સંબંધિત પરિપત્રનું યોગ્ય અર્થઘટન કરીને જે મિલકતો હાઈવેના સંભવિત સર્વે અથવા સંપાદન વિસ્તારમાં નથી, તેવી મિલકતો માટે વેચાણ, નામ ટ્રાન્સફર અને મોર્ગેજ જેવી જરૂરી પ્રક્રિયાઓને છૂટ આપવામાં આવે તો અનેક સામાન્ય નાગરિકોને રાહત મળી શકે.
ADDENDUM TO SANCTION MEMORANDUM
વિદ્યાર્થીઓ અને સામાન્ય પરિવારો માટે સ્પષ્ટતા જરૂરી
નેશનલ હાઈવે પ્રોજેક્ટ હેઠળ મહત્વપૂર્ણ સર્વે કામગીરી અંતિમ તબક્કે પહોંચી ગઈ હોવા છતાં સમગ્ર વિસ્તારની તમામ મિલકત સંબંધિત કામગીરી લાંબા સમય સુધી બંધ રહે તો લોન, શિક્ષણ, વ્યવસાય અને અન્ય આર્થિક જરૂરિયાતો માટે લોકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
આથી, વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરીને હાઈવેને સીધી અસર ન કરતી મિલકતો માટે જરૂરી દસ્તાવેજી અને મોર્ગેજ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
હાલ વિદ્યાર્થી અને તેનો પરિવાર કલેક્ટર, સાંસદ, ધારાસભ્ય તેમજ અન્ય સક્ષમ અધિકારીઓ તરફથી ઝડપી હસ્તક્ષેપની આશા રાખી રહ્યા છે, જેથી સમયમર્યાદા પહેલાં બેંક લોનની પ્રક્રિયા પૂર્ણ થઈ શકે અને એક સામાન્ય પરિવારના યુવાનનું વિદેશમાં ઉચ્ચ અભ્યાસનું સપનું અધૂરું ન રહે.
પ્રભાકર મોદી (બોટાદ)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel












