ગઢડા(સ્વામીના) શહેરમાં જગન્નાથજી રથયાત્રા સમિતિ આયોજિત અને તાલુકાનો સૌથી મોટો રથયાત્રા ઉત્સવ દબદબાભેર એખલાસપૂર્ણ વાતાવરણ ભારે મેદની વચ્ચે શાંતિપૂર્વક સંપન્ન થયો હતો.
ગઢડાની પરંપરાગત 33 મી રથયાત્રાનું બપોરે 2-30 કલાકે સાધુ સંતો અને રાજકીય સામાજિક આગેવાનોની હાજરીમાં પૂજન આરતી અને હાથ વડે રથ ખેંચી પરંપરાગત રૂટ ઉપર પ્રસ્થાન કરાયું હતું. આ રથયાત્રામાં 65 જેટલા વાહનો અને 52 જેટલા આકર્ષક ફ્લોટ્સ સાથે 7 જેટલા ડી.જે બેન્ડ અને જુદી જુદી ઇવેન્ટના આકર્ષણ વચ્ચે લોકોએ આસ્થાપૂર્વક રથયાત્રાના દર્શન કર્યા હતા.
ખાસ કરીને છત્રપતિ સંભાજી, સમુદ્ર મંથન, શિવ તાંડવ સ્તોત્રમ, લક્ષ્મણ મૂર્છા સંજીવની, શીતળા માતા, આહારનો આશરો, ભારતના મહાન રત્નો, જંકફુડ પેકેટ ફૂડ જાગૃતિ, સોશિયલ મીડિયા જાગૃતિ જેવા ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ રથયાત્રા દરમિયાન સમગ્ર પંથકમાંથી લોકો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા.
સમગ્ર રથયાત્રાને શાંતિપૂર્ણ રીતે સફળ બનાવવા માટે પોલીસ તંત્ર સહિત દરેક પ્રશાસન તંત્ર અને અધિકારીઓ તેમજ સ્ટાફ દ્વારા સંકલન કરાયું હતું. આ રથયાત્રા માટે ફ્લોટ્સ, વાહનો અને 22 જેટલા ખાણીપીણીના સ્ટોલ સહિત અનેક કામગીરી અને વ્યવસ્થા જાળવવા માટે લોકોના સહકારથી રથયાત્રા સમિતિના કાર્યકરોએ ખુબજ જીણવટ પૂર્વક કાળજી રાખી રથયાત્રાને ભવ્યતા પૂર્વક સફળ બનાવવા માટે દિવસ રાત જહેમત ઉઠાવી હતી.
રથયાત્રાની સાથે સાથે
* રથયાત્રા મોટી હોવાથી કલાકો સુધી લોકોએ આતુરતાપૂર્વક રાહ જોઈ હતી.
* રૂટ ઉપર દરેક ગેલેરી અને રસ્તા ઉપર માનવમેદની ઉમટી હતી.
* જુદા જુદા મંડળો આયોજિત ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
* ઠેર ઠેર હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરાયું હતું.
* મુખ્ય રૂટ ઉપર ડ્રોન મારફતે રથ ઉપર પુષ્પવૃષ્ટિ આકર્ષક બની હતી.
* દરેક રૂટ ઉપર લોકોએ સ્વયંભૂ ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા ઉભી કરી હતી.
* ડી.જે. સાઉન્ડના તાલે યુવાનો મનમુકીને નાચ્યા હતા.
* રથયાત્રા સાથે શહેરની સ્વછતા માટે દાદાખાચાર કોલેજના વિધાર્થીઓ અને નગરપાલિકા દ્વારા સુંદર સેવા મળી હતી.
* સો મણ ઉપરાંત ચણા મગ મઠ નો પ્રસાદ વહેંચ્યો હતો.
* રથયાત્રા દરમિયાન મોડેથી હળવા વરસાદનું આગમન થયું હતું.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel