ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાના પ્રોજેક્ટના ભાગરૂપે બાંધકામ હેઠળની સિલ્ક્યારા-દાંડલગાંવ ટનલ 12 નવેમ્બરે વહેલી સવારે તૂટી પડતાં ફસાયેલા 41 મજૂરોને અંતે NDRF, SDRF, ભારતીય સૈન્ય, વિદેશી ટનલ નિષ્ણાતો સહિત અનેક એજન્સીઓની મદદથી 17 દિવસના અંતે બચાવી લેવાયા છે. આ જ અભિયાનમાં કેટલાક એવા લોકો પણ હતા જેઓ નિઃસ્વાર્થપણે રેસ્કયુ ઓપરેશનના સહભાગી બન્યા હતા. તેમાંથી એક દિલ્હીના નિઝામુદ્દીનનો રહેવાસી સુરેન્દ્ર રાજપૂત છે.
સુરેન્દ્ર રાજપૂત રેસ્કયુ ઓપરેશનનો મહત્વપૂર્ણ ભાગ
આ એજ વ્યક્તિ છે જેને 2006 માં હરિયાણામાં બોરવેલમાં પડી ગયેલા બાળક પ્રિન્સનો જીવ બચાવ્યો હતો. સુરેન્દ્ર રાજપૂતે સિલ્ક્યારામાં માટીના પુરવઠા માટે પુલી ટ્રોલી તૈયાર કરી, જે છેલ્લા તબક્કામાં કામદારોને બહાર કાઢવાના અભિયાનનો એક મહત્વપૂર્ણ ભાગ બની.
2006માં સુરેન્દ્ર રાજપૂતે કરી હતી આ કમાલ
સુરેન્દ્ર રાજપૂતે 18 નવેમ્બરે સિલ્ક્યારા રેસ્ક્યુ ઓપરેશનમાં બચાવ કામગીરીમાં જોડવા માટે વિનંતી કરી હતી. વહીવટી અધિકારીઓને મળ્યા બાદ તેમણે પોતાના અનુભવ વિશે જાણકારી આપી. જ્યારે પ્રશાસને સત્યની તપાસ કરી તો સામે આવ્યું કે, 2006માં હરિયાણાના કુરુક્ષેત્ર અને અંબાલા વચ્ચેના એક ગામમાં બોરવેલમાં પડી ગયેલા બાળ પ્રિન્સને બચાવવા માટે સુરેન્દ્ર રાજપૂતે અથાક મહેનત કરી હતી. તેણે 57 મીટર ઊંડા કૂવાને બીજા કૂવા સાથે જોડવા માટે 10 ફૂટ લાંબી ટનલ બનાવી હતી. જેના કારણે પ્રિન્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો.
હરિયાણ સરકારે કર્યો હતો સન્માનિત
અગાઉના આ પરિશ્રમ માટે હરિયાણ સરકારે તેને સન્માનિત પણ કર્યો હતો. તેની યોગ્યતા અને અનુભવને જોઈને પ્રશાસને આ અભિયાનમાં તેને શામિલ કરવાનો નિર્ણય લીધો હતો. સુરેન્દ્ર રાજપૂતે જણાવ્યું કે તેણે મેન્યુઅલ ડ્રિલિંગ કરી રહેલી રેટ માઇનર્સ ટીમ માટે 1.25 મીટર લાંબી અને 600 મીમી પહોળી પુલી ટ્રોલી તૈયાર કરી. જે આ રેસ્ક્યુ ઓપરેશનના છેલ્લા તબક્કા માટેનો મહત્વનો ભાગ બની હતી.